અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપતા આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધ્યો છે. ફ્લોરિડામાં યોજાયેલી એક રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ફરી એકવાર ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હાથ ધરી શકે છે. જોકે, આ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને તેનું સ્વરૂપ કેવું હશે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અમેરિકી સૈન્યએ 28 ફેબ્રુઆરીએ ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલા યુદ્ધને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામ આપ્યું હતું. હવે ટ્રમ્પના નવા નિવેદનથી ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી થવાની આશંકા વધી છે.
બીજી તરફ, ઈરાને પણ અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાનના જણાવ્યા અનુસાર, જો અમેરિકા અને ઈઝરાયેલ ફરીથી હુમલો કરશે તો તે ખાડી દેશોમાં સમુદ્રની નીચે બિછાવવામાં આવેલી ઇન્ટરનેટ કેબલોને નિશાન બનાવી શકે છે. જો આવું થાય તો ઇન્ટરનેટ સેવાઓ, બેન્કિંગ વ્યવહારો અને ઓનલાઈન વ્યવસાયોને ગંભીર અસર થઈ શકે છે.
દરમિયાન, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલની અવરજવર ચાલુ હોવાનો દાવો કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને જે જોઈએ છે તે બધું મળી રહ્યું છે.
નોંધનીય છે કે ટ્રમ્પ અગાઉ પણ ઈરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની સમયમર્યાદા અંગે અલગ-અલગ નિવેદનો આપી ચૂક્યા છે. ઑક્ટોબરની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવામાં નહીં આવે.
બીજી તરફ, ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના 21 ઑક્ટોબરના અહેવાલ અનુસાર, અમેરિકી અને ઇઝરાયલી સેનાઓએ મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર ફરીથી હુમલો કરવાની યોજના બનાવી છે. અહેવાલમાં અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે સંભવિત નિશાનમાં ઈરાનનાં ઊર્જા મથકો, પરમાણુ કેન્દ્રો તેમજ મિસાઇલ અને ડ્રોનનાં ભંડારનો સમાવેશ થઈ શકે છે.
હવે સવાલ એ છે કે ટ્રમ્પની નવી ધમકી માત્ર દબાણની રણનીતિ છે કે પછી અમેરિકા ખરેખર ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે? આગામી દિવસોમાં બંને દેશોનાં પગલાં પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
