ટ્રમ્પ-મોદીની દોસ્તી હવે ઇતિહાસ બની: અમેરિકા સામે લડવા નક્કર વ્યૂહરચના જરૂરી

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક ફટકો મારીને ભારતથી અમેરિકા જતા માલ પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે ભારત પર…

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક ફટકો મારીને ભારતથી અમેરિકા જતા માલ પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટે પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો. ગુરુવાર ને 7ઓગસ્ટથી આ ટેરિફ લાગુ થયો છે ને તેની શું અસર થશે તેનો ફફડાટ આખા દેશમાં છે ત્યારે જ ટ્રમ્પે વધારાનો 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર મતું મારી દેતાં ભારતના માલ પર કુલ 50 ટકા ટેરિફ થઈ ગયો છે. ટ્રમ્પનો નવો ફતવો 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી અમલમાં આવવાનો છે તેથી 27 ઓગસ્ટથી ભારતના માલ પર ટેરિફ વધીને 50 ટકા થઈ જશે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં દાવો કરાયો છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.ટ્રમ્પનો નિર્ણય ભારત માટે આંચકાજનક છે કેમ કે તેના કારણે ભારતને આર્થિક રીતે મોટો ફટકો પડશે.

સાથે સાથે આ નિર્ણય ભારતીયોની આંખ ઉઘાડનારો પણ છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી એવી ફિશિયારીઓ મરાય છે કે, દુનિયામાં ભારતનો દબદબો વધ્યો છે અને ભારત ‘વિશ્વગુરૂૂ’ બની ગયું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પની કહેવાતી દોસ્તીની વાતોનો પણ એટલા જ જોરશોરથી મારો ચલાવાયેલો. આ વાતોનો સતત મારો ચાલ્યા કરે છે તેના કારણે લોકો એવા મિથ્યાભિમાનમાં રાચતા થઈ ગયેલા કે, ટ્રમ્પ ગમે તેટલા ફૂંફાડા મારે પણ ભારતને કંઈ નહીં કરી શકે.મોદીના સમર્થકો તો એવા કેફમાં જ હતા કે, મોદી સાથેની ભાઈબંધીના કારણે ટ્રમ્પ દુનિયાના બીજા દેશોની મેથી ભલે મારે પણ ભારતને તો કંઈ જ નહીં કરે. ટ્રમ્પે આ બધી વાતોનો છેદ ઉડાવીને ભારતને ઉપરાછાપરી બે બે ફટકા મારીને બધો કેફ ઉતારી દીધો છે. ટ્રમ્પના ફતવા પછી કોઈ દેશ ભારતની તરફેણમાં બોલવા માટે મેદાનમાં નથી આવ્યો. તેના પરથી સ્પષ્ટ છે કે, ભારત એવો ’વિશ્વગુરુ’ છે કે જેનો કોઈ શિષ્ય નથી.

ખેર, ભારત માટે મહત્ત્વની વાત મોદીએ શું કહ્યું એ નથી પણ હવે પછી શું કરવું એ છે. ટ્રમ્પના 50 ટકા ટેરિફના કારણે ભારતને આર્થિક રીતે ફટકો પડશે તેમાં બેમત નથી. આ નુકસાન કઈ રીતે સરભર કરી શકાય એ હવે વિચારવું પડે. ભારત માટે નાકનો પણ સવાલ છે. આપણે અમેરિકાના ઓશિયાળા નથી, ટ્રમ્પની ખૈરાત પર નથી જીવતા એ સાબિત કરવું પણ ભારત માટે જરૂૂરી છે. તેના માટે નક્કર વ્યૂહરચના બનાવવી પડે, જોરદાર ટીમ ઊભી કરવી પડે કેમ કે કોઈ રેંજીપેંજી દેશ સામે નથી લડવાનું પણ અમેરિકા સામે લડવાનું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન કે વિદેશ મંત્રી એસ. જયશંકર જેવા સૂંઠના ગાંગડે ગાંધી થયેલા ના ચાલે.