ભારતીય શેરબજાર બંબાટ દોડ્યું, ખૂલતામાં જ સેન્સેકસ 4000 પોઇન્ટ અને નિફ્ટી 1100 અંક ઉછળ્યા
તમામ સેક્ટરમાં લેવાલીથી શેરોમાં 3થી 10 ટકાની તેજી, દલાલ સ્ટ્રીટ ખુશખુશાલ
અમેરિકાએ ભારત પર ટેરિફ 25 ટકામાંથી ઘટાડીને 18 ટકા કરી નાખતા શેર બજારમાં કલ્પના બહારની તેજી જોવા મળી છે. ગઇકાલે રાત્રે અમેરિકી પ્રમુખ તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટેરિફ ઘટાડવાની વાત કરવામાં આવતા ભારતીય ઉદ્યોગને બહુ મોટુ બુસ્ટ મળ્યું છે. જેના પગલે પગલે શેર બજારમાં તોફાની તેજી જોવા મળી છે. સવારના સત્રમાં શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેકસમાં 4000 પોઇન્ટ અને નિફટીમાં 1100 પોઇન્ટનો જોરદાર ઉછાળો જોવા મળતા ઇન્વેસ્ટરોના ચહેરા ઉપર હાસ્ય ઉભરી આવ્યું છે.
માર્કેટ ખુલતાની સાથે જ તમામ કેટેગરીના શેરમાં જોરદાર તેજી અને લેવાલી જોવા મળી હતી.
એક સમયે સેન્સેકસમાં 2310 શેરમાં ખરીદી જોવા મળી હતી. જયારે માત્ર 140 શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા હતા. એજ બતાવે છે કે શેરબજારમાં કેટલા મોટા પાયે ખરીદીનો માહોલ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં શેર બજારમાં મંદી જોવા મળી હતી. પરંતુ તેનું એકસામટુ સાટુ ટ્રમ્પની ટ્રેડ ડીલની જાહેરાતે વાળી લીધું છે.
માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેકસ 85871 સુધી પહોંચ્યો હતો. જયારે નિફટી 26341 સુધી પહોંચ્યો હતો. માત્ર નિફટી અને સેન્સેકસ જ નહી પરંતુ બેન્ક નિફટીમાં પણ શરૂઆતી 2000 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે મીડકેપ નિફટી પણ 2100 પોઇન્ટ ઉપર જોવા મળ્યું હતું. આજે માર્કેટના તમામ શેરોમાં જોવા મળી હતી. જેમાં સૌથી વધુ નિફટી, રીયલ્ટી, ઇન્ડેકસમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જયારે આઇટી અને ઓટો ઇન્ડેકસ 4 ટકા, મેટલ- ફાર્મા, હેલ્થકેર અને બેન્કીંગ સેકટરમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ટેરિફ ઘટવાથી ભારતમાં એન્જીનીયરીંગ, ઓટોસેકટર, ટેક્ષટાઇલ, સી ફુડ, હિરા જવેરાતની નિકાસને પણ નવું બુસ્ટ મળવાનું છે ત્યારે આ તમામ સેકટરમાં તેજી જોવા મળી રહી છે. આજે અદાણીના શેરોમાં પણ 7 થી 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો હતો. ઉપરાંત ઇન્ડીગો, ઇન્ફોસીસ, ડો.રેડ્ડી, રિલાયન્સ સહીતના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી.
ડોલર સામે રૂપિયામાં ભારે વધારો : સોના-ચાંદીમાં આંચકા પચાવી વધારો
ગઇકાલે અમેરિકા દ્વારા ટેરિફ ઘટાડવાની જાહેરાત બાદ ભારતનો રૂપિયો મજબુત થયો છે. એક સમયે ડોલર 92.10 સુધી પહોંચ્યો હતો. પરંતુ ટેરિફ ઘટાડવાની જાહેરાતથી આજે રૂપીયો મજબુત થયો અને ડોલર ઘટીને 90.31 સુધી આવી ગયો છે. એટલે કે આજે 1.10નો સુધારો જોવા મળતા ભારતના અર્થતંત્રને આજે નવું બુસ્ટ મળ્યું છે.
છેલ્લા ચાર દિવસથી સોના-ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે સોના અને ચાંદી બન્નેમાં વધારો જોવા મળ્યો છે અને રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોવા મળી રહી છે. ચાંદી ગઇકાલે 225000 સુધી પહોંચ્યા બાદ આજે ચાંદી એમસીએકસ પર 254000 પહોંચી છે એટલે કે આજે ચાંદમાં 18000નો વધારો નોંધાયો છે. જયારે સોનામાં શરૂઆતી તેજી બાદ 1000 રૂપીયાનો વધારો જોવા મળી રહ્યો છે. એમસીએકસ પર સોનું 14200 સુધી પહોંચ્યું છે. જો કે આજે એક સમયે સોનુ 147000 સુધી પણ પહોંચ્યું હતું એટલે કે આજે સોનામાં પણ 6000નો વધારો નોંધાયો હતો. બીજી બાજુ ચાંદી 257480 સુધી આજે ઉપલા લેવલ સુધી પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 48.14 ડોલર અને ચાંદી 83 ડોલરની સપાટીએ પહોંચ્યું છે.

