Site icon Gujarat Mirror

ત્રિપલ એન્જિન સરકાર : મહાન ગુજરાતી પ્રજા પ્રત્યેની કિન્નાખોરી ઠાકરે પરિવારને ભારે પડી

મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીના પરિણામોએ ભાજપની હિન્દુત્વ પ્લસ વિકાસની ફોર્મ્યુલાને અણધાર્યા અને વિશિષ્ટ જયઘોષ અપાવ્યો છે તથા ઠાકરે બ્રાન્ડ કે જેનો પ્રભાવ છેલ્લી અડધી સદીથી મરાઠાઓ પર હતો તેનું ચોક્કસ રીતે ધોવાણ કર્યું છે. મહારાષ્ટ્રની રાજનીતિ હવે એક નવા ઐતિહાસીક યુગમાં પ્રવેશી ગઈ છે. ભાજપ માટે હવે નયે દૌર મેં લિખેંગે મિલકર નઈ કહાની જેવા સુવર્ણયુગના દિવસો આવ્યા છે. કેન્દ્ર રાજ્યમાં સમાન પક્ષના શાસનની દ્વિમુખી રાજનીતિથી આગળ વધીને એટલે કે ડબલ એન્જિન સરકારથી આગળ વધીને બૃહદ મુંબઈ મહાપાલિકા સહિતની મહારાષ્ટ્રનાં મહાનગર્રોના અનેક કોર્પોરેશનોને ત્રિપલ એન્જિન સરકાર મળી ગઈ છે, આ જ ખરેખર ભાજપ માટે નવા યુગની શહેનાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં ચાલુ વરસે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ પર આ પરિણામોનો પ્રભાવ પડયા વિના નહી રહે. શહેરી મહારાષ્ટ્રનું રાજકારણ હવે આમુલ પરિવર્તનના આરે પહોંચી ગયું છે.

આને કારણે ભારતીય જનતા પાર્ટી હવે સમગ્ર મહારાષ્ટ્રની નંબર વન પાર્ટી બની ગઈ છે. પિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર ભાજપની આગલી પેઢીનાં નંબર વન નેતા અને નૂતન ગૌરવ પ્રાપ્ત કરેલો ચહેરો ધરાવનારા બની ગયા છે. મરાઠી મતોનું વિભર્મીત અને ગુજરાતી ઉપરાંત ઉત્તર ભારતીય મતોનો ભાજપ તરફ સતત ઝોક પણ આ પરિણામો માટે જવાબદાર છે. આ એક તરફી ધ્રુવીકરણ ઠાકરે પરિવાર માટે ઘાતક સાબિત થયું છે. પવાર પરિવારના ગઢ ગણાતા પુના અને પિંપરી ચિંચવડે પણ એ સંકેત આપ્યો છે કે આ કાકો-ભત્રીજો હવે કયાંય ચાલે એમ નથી. વારેને ઘડિયે બદલતી રાજકીય ચાલાકીઓને હવે મતદારો બહુ સારી રીતે ઓળખે છે. ઉપરાંત પોતાનો મત સ્થાનિક સરકાર નક્કી કરવામાં કામ નહીં આવે એવી માન્યતાથી પણ લોકોએ એસીપીને પડતી મુકી દીધી છે.

ભાજપને સૌથી મોટો ફાયદો વેરવિખેર થયેલા અને સ્પષ્ટ નેતૃત્વ વિનાના વિરોધપક્ષે કરી આપ્યો છે. મહાવિકાસ અઘાડીની લિડરશીપ ઓકટોપરી જેવી હતી, જેનો કોઈ છેડો જ ન હતો અને દરેક પુંછડાઓ પોતાને માથું માનતા હતાં. ભાજપની મહિલા કેન્દ્રીત યોજનાઓએ પણ સ્ત્રી મતદારોને ભાજપ તરફ વાળવામાં ખુબ જ મહત્વની ભૂમિકા અદા કરી છે. મુંબઈની સતત વધતી જતી વસ્તી હવે શિવસેનાને અનુકુળ રહી નથી એનું ભાન ‘માતોશ્રી’ કુળના કુળદીપકોને હવે થઈ ગયું હોવું જોઈએ.

ઠાકરે પરિવાર માટે આ ચૂંટણીના પરિણામોનો સૌથી મોટો આઘાત એ છે કે મરાઠાઓ કે જેમના હિત માટે એ પરિવારે બધું ન્યોછાવર કર્યુ, એ મરાઠાઓ હવે ઠાકરે એન્ડ ઠાકરે પ્રા.લિ.ના રહ્યા નથી. તેઓ સિફતપૂર્વક ગુજરાતી હાઈકમાન્ડ ધરાવતાં ભાજપ તરફ તણાઈ ગયા છે.
એક જમાનામાં મહારાષ્ટ્રમાં ભાજપ તો ગુજરાતીઓનો પક્ષ છે એવી હવા આ ઠાકરે પરિવારે જ ફેલાવી હતી. આ વખતના ચૂંટણી પ્રચારમાં પણ ગુજરાતીઓ આ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેવા ચાહે છે જેવી દંતકથાઓ પણ ઠાકરે પરિવારે મંચ પરથી જાહેર કરી હતી. ઉપરાંત તેઓએ કદી પણ ગુજરાતીઓને મુંબઈના નાગરિક તરીકે સ્વીકાર્યા નથી એ કિન્નાખોરી અને એ ભીતરનું વૈમનસ્ય ‘માતોશ્રી’ પરિવારને ભારે પડયું છે.

મહારાષ્ટ્રની ચૂંટણીનું સંચાલન આ વખતે સંપૂર્ણ રીતે મીસ્ટર ફડણવીસના હાથમાં હતું. રાજ્યના મુખ્યમંત્રી તરીકેના ચાલુ કાર્યભાર ઉપરાંત તેમણે મહારાષ્ટ્રની તમામ મહાપાલિકાઓના ચૂંટણીના વ્યવસ્થા તંત્રનું મુખ્યમંત્રી કાર્યાલયથી જ સંચાલન કર્યુ તેમની અનુભવપૂર્ણ દ્રષ્ટિ સંપન્નતા અને કાર્યકરોના રાજ્યના તમામ શહેરોમાં વ્યાપક નેટવર્કનો ઉપયોગ આ બન્ને પરિબળોને કારણે તેમણે મહારાષ્ટ્રના દિગ્ગજ કહેવાય એવા પાયાના ઠાકરે પરિવારની બહુચતુરાઈ પૂર્વક હકાલપટ્ટી કરી નાંખી. ફડણવીસ પાસે મુંબઈના રાજકારણના વર્ષો જુના આટાપાટાનો ઈતિહાસ છે અને અંદરથી ભાંગી ગયેલા ઠાકરે પરિવારને તથા અજીત પવાર પરિવારને ખતમ કરવા માટેની રાજકીય વ્યુહરચના તેમણે આશાનીથી ઘડી અને તેના કારણે ખુદ ભાજપને પણ અંદાજ ન હતો. એટલા સારા પરિણામો આવી ગયાં. જો કે હજુ પણ ફડણવીસ સામે રાજ્યના નેતૃત્વનો અને નવી મહાપાલિકાઓના નક્કી થનારા મેયરો દ્વારા અમલમાં મુકાનારી નિતીઓ અંગેનો એક મોટો પડકારજનક રાજમાર્ગ ખુલ્લો છે જે તેમણે વહેતરણીની જેમ પાર કરવાનો છે.

ભાજપના દ્વિમુખી ગુજરાતી હાઈકમાન્ડ મીસ્ટર મોદી અને મીસ્ટર શાહના કોઈપણ પ્રકારના સીધા માર્ગદર્શનના અભાવમાં ફડણવીસે એકલે હાથે મહારાષ્ટ્રનાં મોટા ભાગનાં શહેરોમાં પોતાનું શાસન પ્રસ્થાપિત કરીને પોતાની રાજનેતા તરીકેની પ્રતિભાને એક આદમ કદમાં દેશની વર્તમાન ક્ષીતીજે પ્રગટ કરી છે તેને કારણે એમનું રાષ્ટ્રીય વજન પણ આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં વધી ગયું છે. એટલે હવે મહારાષ્ટ્રની આગામી તમામ પ્રકારની ચૂંટણીઓમાં નિર્ણાયક સુત્ર તેમના એકલાના હાથમાં જ રહેશે તેમાં કોઈ શંકા નથી.

Exit mobile version