ચારિત્ર્ય પર શંકા કરતી પત્ની રિસામણે ચાલી ગયા બાદ માતા-પિતા સાથે કપડા લેવાના બહાને આવી બઘડાટી કર્યાનો આરોપ
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલ અક્ષર સિટીમાં રહેતાં અને ટીઆરબીમાં ફરજ બજાવતાં યુવકના ચારિત્ર્ય પર શંકા કરતી પત્ની રિસામણે ચાલી ગયા બાદ ગઈકાલે માતા-પિતા સાથે કપડા લેવાના બહાને ઘરે આવી બીભત્સ ગાળો ભાંડી બઘડાટી બોલાવતાં ટીઆરબી જવાને ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માંડાડુંગર વિસ્તારમાં આવેલ અક્ષર સિટીમાં રહેતાં અને ટીઆરબીમાં ફરજ બજાવતાં વનરાજભાઈ મનુભાઈ બાબરીયા નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. વનરાજ બાબરીયાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં વનરાજ બાબરીયા એક ભાઈ એક બહેનમાં મોટો છે અને ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવે છે. વનરાજ બાબરીયાના છ મહિના પહેલા જ રિતીકાબેન સાથે લગ્ન થયા હતાં. રિતિકાબેન વનરાજ બાબરીયાના ચારિત્ર્ય પર શંકા કરી નોકરી પર ગયો હોય ત્યારે તમે મને વિડિયો કોલ કરો, તમે કોની સાથે છો તેમ કહી શંકા કરતી હતી અને ભીમ અગિયારસ કરવા રિતિકાબેન માવતરે ગયા બાદ પરત આવી ન હતી અને ગઈકાલે રિતિકાબેન તેના પિતા નિલેશભાઈ રૂડાભાઈ સેલાવડા અને માતા ભાવનાબેન સાથે કપડા લેવાના બહાને ઘરે આવી હતી અને પતિ વનરાજ બાબરીયાને બિભત્સ ગાળો ભાંડી હોબાળો મચાવ્યો હતો. જેથી વનરાજ બાબરીયાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
