કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા સામતભાઈ ભાયાભાઈ જાદવ નામના 41 વર્ષના યુવાન કલ્યાણપુર ખાતે આવેલી કે.જી.બી.વી. ગર્લ્સ સ્કુલમાં તેમની પુત્રીનું એડમિશન લેવા માટે શનિવારે પોતાના જી.જે. 10 એ.એસ. 8973 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે ચાર કિલોમીટર દૂર પાનેલી ગામના પાટીયાથી દેવરીયા ગામના પાટીયા તરફ પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 વાય. 3906 નંબરના એક છકડા રીક્ષાના ચાલકે સામતભાઈના મોટરસાયકલને ઓવરટેક કરવા જતા આ છકડા રીક્ષા બાઈકની એક સાઈડમાં ટકરાયો હતો.
જેથી ફંગોળાઈ ગયેલા સામતભાઈ જાદવને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે છકડા રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોને પણ ઈજાઓ થતા કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના નાનાભાઈ ચનાભાઈ ભાયાભાઈ જાદવ (ઉ.વ. 39, રહે. ટંકારીયા) ની ફરિયાદ પરથી છકડો રીક્ષાના ચાલક સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વાહન અડફેટે મોત
ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે રહેતા દીપકભાઈ મસરીભાઈ પિપરોતર નામના 40 વર્ષના યુવાન તેમના જી.જે. 37 પી. 1247 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડ નજીકના રૂૂપામોરા ગામ પાસેથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા ફોર વ્હિલર વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, દિપકભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે મૃતકના નાનાભાઈ બાબુભાઈ પીપરોતર (ઉ.વ. 38, રહે. જામ રોજીવાડા) ની ફરિયાદ પરથી અજાણ્યા ફોર વ્હિલર વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
