ટ્રાફિક દંડના ઇ-ચલણ હવે સીધા ઘરે આવશે: પોલીસ અને પોસ્ટ વિભાગ વચ્ચે કરાર

ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા 9 ઑક્ટોબરથી ‘વિશ્વ ટપાલ દિવસ અને રાષ્ટ્રીય ડાક સપ્તાહ2026’ની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂૂપે દેશમાં સૌપ્રથમ વખત…

ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા 9 ઑક્ટોબરથી ‘વિશ્વ ટપાલ દિવસ અને રાષ્ટ્રીય ડાક સપ્તાહ2026’ની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂૂપે દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત પોસ્ટ વિભાગ અને ગુજરાત પોલીસ વચ્ચે digiPost પહેલ અંતર્ગત ટ્રાફિકના ઈ-ચલણની ઘરે ડિલિવરી કરવા માટે વિશેષ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાફિકના એસપી સાહિત્યા વી. અને પોસ્ટલ ડાયરેક્ટર, અનુબ્રતા દાસ વચ્ચે આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સર્કલના મુખ્ય પોસ્ટ માસ્તર જનરલ ગણેશ સાવલેશ્વરકરે જણાવ્યું કે, આ પહેલ હેઠળ ટ્રાફિકના ઈ-ચલણ ડિજિટલ માધ્યમથી ઇન્ડિયા પોસ્ટને મોકલાશે અને સ્થાનિક પોસ્ટમેન દ્વારા સંબંધિત નાગરિકના ઘરે પહોંચાડવામાં આવશે. ડિજિટલ સંચાર અને ભૌતિક ડિલિવરીને જોડતી આ નવીન ફિજિટલ સેવાથી ઈ-ચલણ સંબંધિત માહિતી ઝડપી અને ટ્રેક કરી શકાય તેવી રીતે નાગરિકો સુધી પહોંચશે, જેનાથી ઈ-ચલણના નામે થતા સાયબર ફ્રોડને અટકાવી શકાશે. ભવિષ્યમાં પોસ્ટ ઑફિસ ખાતે જ ઈ-ચલણ ભરી શકાય તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. 1874માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની સ્થાપનાની યાદમાં યોજાતી આ ઉજવણીની આ વર્ષની થીમ ‘One Postal Network, Infinite Possibilities’ રાખવામાં આવી છે, જે અંતર્ગત 15 ઑક્ટોબર સુધી વિવિધ જનજાગૃતિ અભિયાનો યોજાશે.

દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ સહિત ગુજરાત સર્કલમાં કુલ 8,877 પોસ્ટ ઑફિસનું વિશાળ નેટવર્ક છે, જેણે વર્ષ 2025-26 દરમિયાન 45 લાખથી વધુ પાર્સલ, 3.72 કરોડ ટપાલ વસ્તુઓ અને આશરે 2 લાખ આંતરરાષ્ટ્રીય ટપાલ સાહિત્યનું હેન્ડલિંગ કર્યું છે.