Site icon Gujarat Mirror

વીરપુરમાં જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી

જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 145ની પુણ્યતિથી નિમિતે બાપાના પરીવારજનો દ્વારા બાપાના સમાધિ સ્થળે વહેલી સવારે પૂજા અર્ચના કરી તેમજ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને બાપાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જે બાપાની જન્મભૂમી અને કર્મભૂમી છે ત્યાં દરરોજ દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. અહીં જલારામ બાપાએ શરૂૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરત પણે ચાલુ છે, પૂજ્ય જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહા વદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન ઉજવવામાં આવે છે.

આજે બાપાની 145મી પુણ્યતિથિએ પરીવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા અર્ચના કરીને તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જ્યારે ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા, પૂજ્ય જલારામબાપાની 145મી પુણ્યતિથિ હોવાથી વીરપુરમાં વહેલી સવારથી પૂજ્ય જલારામબાપાના દર્શને ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો હતો. (તસવીર:- કિશનસિંહ મોરબીયા વીરપુર)

Exit mobile version