નિયમ છતાંય માત્ર એક ટકા વાહનોમાં જ અમલ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં તમામ જાહેર સેવા વાહનો (બસ, ટેક્સી અને ટુરિસ્ટ કોચ)માં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ (VLTD) અને ઇમર્જન્સી એલાર્મ બટન ફરજિયાત રીતે ઇન્સ્ટોલ કરવા આદેશ આપ્યો છે.
જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે કે મોટર વાહન અધિનિયમની કલમ-56 હેઠળ ફિટનેસ સર્ટિફિકેટ કે કલમ-66 હેઠળ પરમિટ આપતા પહેલા VLTD અને એલાર્મ બટનની ઇન્સ્ટોલેશન વેરિફાઇ કરવી જરૂૂરી છે. આ વિગતો વાહન એપ્લિકેશન (VAHAN)માં પણ અપડેટ કરવી પડશે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂૂલ્સના રૂૂલ-125એચ મુજબ જાહેર વાહનોમાં આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવા જરૂૂરી છે જેથી લાઇવ ટ્રેકિંગ અને કટોકટી સમયે ત્વરિત પ્રતિસાદ મળી શકે. કોર્ટને જાણકારી મળી કે નિયમ જાહેર થયા સાત વર્ષ પછી પણ માત્ર 1% વાહનોમાં જ આ ડિવાઇસ ઇન્સ્ટોલ થયા છે. બેંચે આને ‘ખૂબ જ ચિંતાજનક’ ગણાવ્યું.
કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જીને વાહનોના ઉત્પાદન વખતે જ આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાની શક્યતા તપાસવા કહ્યું છે. કેન્દ્ર સરકારને ઓટોમોબાઇલ ઉત્પાદકો સાથે બેઠક યોજવાનું પણ આદેશ્યું છે.
આ આદેશથી મહિલાઓ અને સામાન્ય મુસાફરોની સુરક્ષામાં વધારો થશે. કટોકટી સમયે વાહનનું લોકેશન તરત જ પોલીસ અને અધિકારીઓ સુધી પહોંચી શકશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશનું કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
