ગુજરાત

કાલે મોદી ગુજરાતમાં, SOU ખાતે એકતા પરેડમાં આપશે હાજરી

Published

on

કેવડિયા કોલોનીમાં બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત રૂા.284 કરોડના વિકાસ કામોના કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં રોશનીથી ઝળહળી ઉઠયું, અભૂતપૂર્વ નજારો

આવતી કાલ તા. 31 ઓક્ટોબરે પ્રકાશના મહાપર્વ એવા દિવાળી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો પાવન સંયોગ સર્જાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરને વિવિધ વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપીને આ અવસરને યાદગાર બનાવશે. વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેશે અને રૂ. 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.


કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાન દ્વારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કરશે. જે એકતા નગરના વિકાસને વેગ આપશે.


ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર નર્મદા ડેમની સંપૂર્ણ કામગીરી અને તેની પરિવર્તનકારી અસરો દર્શાવશે.


સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટીએ SAPTI સંસ્થાના સહયોગથી જુલાઈ-2024માં એકતાનગર ખાતે 20-દિવસીય શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું જેમાં પાણી, પ્રકૃતિ અને એકતાની થીમ પર દેશભરના પ્રખ્યાત શિલ્પકારોએ 24 શિલ્પો બનાવ્યા હતા. એકતા નગરનું સૌંદર્ય વધારવા માટે આ શિલ્પાકૃતિઓને 24 સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવશે.


એકતા નગરમાં પ્રવાસીઓની સગવડ માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન, સતામંડળ, એકતા નગર (SOUADTGA) દ્વારા 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડનું નિર્માણ કરી રહ્યું છે, જેના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવશે.

નાગરિકોને મૂળભૂત તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે 22 કરોડના ખર્ચે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, માઈનોર ઓટી, ઓટી રૂૂમ, સીટી સ્કેન, ICU, લેબર રૂૂમ, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ, સર્જન કેબિન, મેડિકલ સ્ટોર, 1 એમ્બ્યુલન્સ વગેરે સુવિધા મળશે. આ ઉપરાંત, 2 ICU ઓન-વ્હીલ્સનું પણ લોકાર્પણ થશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ,CESL-કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, ICU ઓન-વ્હીલ્સનું લોકાર્પણ કરશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે એકતા નગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યાં છે.જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નર્મદા ઘાટ,નર્મદા ડેમ,સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત તમામ પ્રવાસન સ્થળોમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે,જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવા આવે છે. આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂૂપથી ઉભું કરવામાં આવ્યું છે.જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આદ્યાત્મની ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version