ચોટીલાના ભેટસુડાથી શાપર વેરાવળ માવતરે રિસામણે આવેલી પરિણીતાનો એકનો એક 3 વર્ષનો દિકરો ઘર પાસે રમતી વખતે ભોં ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ ચોટીલાના ભેટસુડા ગામે સાસરૂૂ ધરાવતી શિલ્પાબેન પ્રભાત પરમારના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. તેણીને સંતાનમાં ત્રણ વર્ષનો દિકરો આયુષ હતો. શિલ્પાબેનના પતિ પ્રભાતભાઇ લાખાભાઇ પરમાર ખેત મજુરી કરે છે. પતિ-પત્નિ વચ્ચે કોઇ વાતે અણબનાવ થતાં શિલ્પાબેન આઠેક મહિનાથી પારડી ગામે સહજાનંદ સોસાયટીમાં રહેતાં પિતા કેશુભાઇ રામજીભાઇ ચાવડાને ત્યાં રીસામણે આવી છે.
ગત સાંજે માતા ઘરમાં કામ કરતી હતી ત્યારે દિકરો આયુષ બહાર રમવા માટે ગયો હતો. પંદરેક મિનીટ બાદ માતા દિકરાને બોલાવવા બહાર નીકળી ત્યારે તે જોવા ન મળતાં ફાળ પડી ગઇ હતી. શોધખોળ કરતાં નજીકમાં જ ભોં ટાંકો હોઇ તેમાં આયુષ પડયો હોઇ તુરત બેભાન હાલતમાં બહાર કાઢી લોધીકા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખસેડયો હતો. પરંતુ સારવાર દરમિયાન આ માસુમનું મોત થતાં પરિવામાં કલ્પાંત સર્જાયો હતો. આયુષ માતા પિતાનો એકનો એક પુત્ર હતો. બનાવથી પરિવામાં કલ્પાંત સર્જાયો હતો. શાપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

