વાકાંનેરના રાતાવીરડાના કોન્ટ્રાક્ટર પાસેથી દાગીના પડાવી લેનાર ત્રણ વ્યાજખોરો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને લાયસન્સ વગર ઊંચા વ્યાજદરે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી…

વાંકાનેર તાલુકા પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને લાયસન્સ વગર ઊંચા વ્યાજદરે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. રાતાવીરડા ગામે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રવિણભાઇ હરખાભાઇ ઉકેડીયાએ મજૂરોને ચૂકવવા અને ભાઈની સારવાર માટે અલગ-અલગ આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા.

જેમાં તેમણે અજય રમેશભાઇ અબાસણીયા પાસેથી રૂ.3,00,000 અલગ-અલગ સમયે 30%, 35% અને 120% જેવા મસમોટા વ્યાજદરે લીધા હતા, જેની સામે રૂ.30 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ બળજબરીથી રૂ. 5 લાખ પડાવી લીધા હતા. આ જ રીતે બીજલ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા પાસેથી માસિક 35% વ્યાજે રૂ.1,50,000 લીધા હતા, જેની સામે 5 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ વધુ રૂ.1,20,000 ની માંગણી કરી રૂૂ. 98,681 ની કિંમતનું નવું સ્પ્લેન્ડર બાઇક બળજબરીથી પડાવી લીધું હતું.

જ્યારે ત્રીજા આરોપી હિતેશ મગનભાઇ પટેલે ફરિયાદીના પત્નીના બેંકમાં ગીરો પડેલા સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂૂ. 3,56,000 આપ્યા બાદ, પાછળથી ઊંચું વ્યાજ વસૂલવા માટે તે દાગીના પોતે પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂૂ. 8,00,000 ની પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી.આ અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂૂ. 98,000 ની કિંમતનું મોટરસાયકલ અને રૂૂ. 3,00,000 ની કિંમતની સ્વિફ્ટ કાર (નંબર GJ-36-AJ-6096) મળીને કુલ રૂૂ. 3,98,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ગીરવે મૂકેલા અન્ય દાગીના મેળવવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.