પંજાબી યુ-ટયુબરની હત્યામાં ફરાર 3 શાર્પશૂટર વલસાડથી ઝડપાયા

પંજાબના અમૃતસરમાં 3 ઑક્ટોબરે થયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મધુસુદન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યા કેસમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને વલસાડ સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપે…

પંજાબના અમૃતસરમાં 3 ઑક્ટોબરે થયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મધુસુદન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યા કેસમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને વલસાડ સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

પકડાયેલ આરોપીઓ હર્સિમરનજીતસિંહ ઉર્ફે સિમુ સિંગા, ફતેહ સિંહ અને અરમાન સિંહ છે. ત્રણેય પંજાબના તરન તારન જિલ્લાના સાંગે ગામના રહેવાસી છે. પંજાબ પોલીસની ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (સીઆઈએ)ના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપ્યા બાદ ગુજરાત એટીએસે તપાસ શરૂૂ કરી હતી. તપાસમાં તેમનું સ્થાન વલસાડ જિલ્લાના વાપીમાં હોવાનું જાણવા મળ્યું હતું.

એટીએસના એસપી કે. સિદ્ધાર્થની દેખરેખમાં તપાસ ચાલી હતી. ડીએસપી હર્ષ ઉપાધ્યાય અને પીઆઈ ક્રુપેશ પટેલે ઑપરેશનનું નેતૃત્વ કર્યું હતું. વાપીમાં ત્રણેયની હાજરીની પુષ્ટિ થયા બાદ એટીએસે તેમની વિગતો વલસાડ એસઓજી સાથે શેર કરી હતી. વલસાડ એસઓજીના પીઆઈ ડી.ડી. પરમારની ટીમે ત્રણેયને ડિટેન કર્યા હતા અને તેમને ગુજરાત એટીએસ ઑફિસમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન તેમની હત્યામાં ભૂમિકા અને હુમલા પહેલાં કરેલી રેકીની વિગતો સામે આવી હતી. અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ વિસ્તારમાંથી મુખ્ય શૂટર પરમિંદર પ્રસાદ ઉર્ફે પરમિંદર કાકાની ધરપકડ કરી હતી. તે અમૃતસરથી ભાગીને અમદાવાદમાં છુપાયેલો હતો.

મેડ સંધુને અમૃતસરની લોહારકા રોડ પર એક કાર વોશિંગ સેન્ટર નજીક મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓ મારી હતી. તે વાહન લેવા ગયો હતો ત્યારે હુમલો થયો હતો. હોસ્પિટલ લઈ જતા તેનું મોત થયું હતું. અમૃતસર કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. સોશિયલ મીડિયા પર ગોલ્ડી ઢિલ્લોન સાથે જોડાયેલા એકાઉન્ટે હત્યાની જવાબદારી લેવાનો દાવો કર્યા બાદ ગેંગના સભ્યોની સંડોવણીની તપાસ શરૂૂ થઈ હતી.