કચ્છ

કચ્છના પુનડીમાં ગેરકાયદે પ્રવૃત્તિના ઇરાદે આંટાફેરા કરતા ત્રણ શખ્સો બંદૂક સાથે ઝડપાયા

Published

on

ગઇકાલે રાતે પુનડીની સીમમાં સંભવત: શિકાર જેવી ગેરપ્રવૃત્તિ અર્થે ભુજથી આવતા ત્રણ શખ્સની બોલેરોનો પીછો કરી કોડાય પોલીસ-ગ્રામજનોએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી એક દેશી બંદૂક અને 26 નંગ કારતૂસ મળી આવ્યા હતા. આ અંગે મળેલી વિગતો મુજબ કોડાય પોલીસના હે.કો. વિપુલભાઇ ચૌધરીને રાતે બાતમી મળી હતી કે, ભુજથી એક બોલેરો કેમ્પરમાં અમુક ઇસમો બંદૂક (અગ્નિશત્ર) અને કારતૂસો સાથે પુનડીની સીમમાં ગેરપ્રવૃત્તિ અર્થે આવી રહ્યા છે. આ બાતમીના આધારે કોડાય પોલીસ પંચો એવા પુનડીના સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા તથા અનિરુદ્ધસિંહ કનકસિંહ જાડેજાને બાતમીની સમજ આપી સમર્પણ આશ્રમ પાસે વોચમાં હતા.

પોલીસની સાથે પુનડી ગામના જાગૃતો પૂર્વ સરપંચ અજિતસિંહ જાડેજા અને એસ.પી.એમ. ફાર્મના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજા તથા યુવાનો પણ?જોડાયા હતા. બાતમીવાળી ભુજથી આવતી બોલેરો કેમ્પરને રોકાવા પોલીસે ટોર્ચ લાઇટથી ઇશારો કરતાં ચાલકે વાહન ઊભું રાખ્યું નહીં અને માંડવી તરફ દોડાવી હતી. પોલીસ તથા પંચો-ગ્રામજનોએ વાહનોથી પીછો કરી પુનડી પાસે આરોપીઓ વાહન મૂકી નાસવા લાગતાં તેઓને ઝડપી લીધા હતા. બોલેરો કેમ્પર નં. જી.જે. 12 સી.ડી. 5799 કિં. રૂૂા. બે લાખ તથા એક બંદૂક કિં. રૂૂા. 1000 અને 26 નંગ જીવતા કારતૂસ કિં. રૂૂા. 260 તથા બે મોબાઇલ કિં. રૂૂા. 10,000 એમ કુલે રૂૂા. 2,11,260ના મુદ્દામાલ સાથે આરોપીઓ અકરમ અજીમ થેબા, સુલેમાન ઉમરશા શેખ અને સાહિલ મીઠુ સના (રહે. ત્રણે ભુજ)ને કોડાય પોલીસે ઝડપી આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી છે.

નોંધનીય છે કે, આ બનાવ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પુનડીની સીમમાં શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો ગ્રામજનો સમક્ષ ધ્યાને આવતાં તેની જાણકારી મેળવી પોલીસને વાકેફ કરાતાં આ સફળ કામગીરી પાર પડાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version