ગીરગઢડા પંથકમાં હનીટ્રેપના જાળમાં ફસાવી ખોટી પોલીસ ઓળખના આધારે ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. કેસની મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ આરોપીઓને સુરત માંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર કેસ માં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે હજુ ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ તેજ કરવા માં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, તા.12 ફેબ્રુઆરી2026નારોજ ફરિયાદી આધેડનો વોટ્સએપ મારફતે શિવાની પટેલ નામની મહિલા સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે વાતચીત અને પરિચય વધ્યા બાદ તા.19 ફેબ્રુઆરીના રોજ મહિલાએ ફરિયાદીને ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ખાતે મળવા બોલાવ્યો હતો.મળ્યા બાદ મહિલાએ ફરિયાદીને ધોકડવા તરફ જવાના બહાને સાથે લીધો હતો.આરોપીઓએ ફરિયાદી અને મહિલા બંનેને ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા હોવાનું કહી ડરાવ્યા હતા.ખોટા કેસ માં ફસાવી દેવાની ધમકી આપી શરૂૂઆતમાં રૂૂ.10 લાખ ની ખંડણી માંગવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ ઉપરાંત ફરિયાદીના પરિવારજનો અને મિત્રોને ફોન કરાવી તેના પર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. અંતે ફરિયાદી પાસેથી કુલ રૂૂ.2.05 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ પણ આરોપીઓએ વધુ રૂૂ.3લાખની માંગણી કરી વધુ રૂૂપિયા નહીં આપે તો ફરિયાદીને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવા, અખબારોમાં બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા માં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓના સગડ સુરત સુધી પહોંચતા પોલીસે કાર્યવાહી કરી મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ આરોપીઓને સુરતમાંથી ઝડપી પાડ્યા હતા. અગાઉની કાર્યવાહી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હનીટ્રેપ અને ખંડણીના આ કેસમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
