ભાણવડ વિસ્તારમાં રહેતા એક સગર યુવાનના રહેણાંક મકાનમાં ગત શનિવારે થયેલી ઘરફોડ ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 11.14 લાખનો મુદ્દામાલ ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ ચોરીને અનુલક્ષીને પોલીસ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં પોલીસે ત્રણ સ્થાનિક શખ્સોને દબોચી લઈ, તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી એવા આ ચોરી પ્રકરણની વિગત મુજબ ભાણવડથી આશરે 8 કિલોમીટર દૂર જામ રોજીવાડા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગંગદાસભાઈ માલદેભાઈ સોલંકી નામના 46 વર્ષના સગર યુવાન દંપતી તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોએ અગાઉ નક્કી કર્યા મુજબ શનિવાર તા. 27 મીના રોજ સવારના આશરે 7 વાગ્યાના સમયે દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરવા નીકળ્યા હતા.
આ પછી તેઓ શનિવારે મોડી સાંજના સમયે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના ઓસરી તથા રૂૂમમાં મારેલા તાળા તૂટેલા જોવા મળ્યા હતા અને ઘરનો સામાન વેર વિખેર હોવાથી આ સ્થળે તસ્કરોએ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું.
આ ઘરફોડ ચોરીમાં તસ્કરો કબાટમાંથી સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 11 લાખ 14 હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી મીત રુદલાલના વડપણ હેઠળ ભાણવડના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને તસ્કરો અને ઝડપી લેવા માટે ખાસ ટીમ મારફતે તપાસ આરંભી હતી. તપાસના અંતે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપી એવા જામ રોજીવાડા ગામના રહીશ મિલન કરશનભાઈ સોલંકી (ઉ.વ. 27), ભાવેશ કરસનભાઈ સોલંકી (ઉ.વ. 22, રહે. હાલ રાજકોટ) અને રવિ ડાયાભાઈ સોલંકી (ઉ.વ. 21) નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.
