સુરતના કાપડ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન એમ્બ્રોઇડરી સેક્ટરમાં ગઇકાલે વહેલી સવારથી હજારો કારીગરોએ એકસંપ થઈ કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. મહિના દરમિયાન એકપણ નિયમિત રજા મળતી ન હોવાથી કામદારોમાં લાંબા સમયથી ભભૂકતો રોષ આજે આંદોલનના સ્વરૂૂપમાં બહાર આવ્યો હતો.
અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ જીઆઇડીસી તેમજ સચિન જીઆઇડીસી સહિતના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોએ એકઠા થઈ મશીનો સંપૂર્ણપણે બંધ કરાવી દીધા હતા. કારીગરોનું કહેવું છે કે સતત અવિરત કામના બોજ હેઠળ શારીરિક અને માનસિક થાક અનુભવાય છે, જેથી તેને અન્ય ક્ષેત્રોની જેમ દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા મળવી જ જોઈએ. હડતાળ પર ઉતરેલા કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી એસોસિએશન કે કારખાનેદારો રવિવારની સાપ્તાહિક રજા અંગે સત્તાવાર લેખિત નિર્ણય નહીં આપે, ત્યાં સુધી કામ પર પરત ફરશે નહીં.
હજારો કારીગરોના આંદોલનથી સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉત્પાદન પર સીધી અને વ્યાપક અસર પડવાની શક્યતા છે. વેદાંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કારીગરોના વિરોધ પ્રદર્શનને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સહિત ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCBની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિરોધ કરી રહેલા કારીગરો સાથે સીધી વાતચીત કરી મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
વિવાદના સુખદ ઉકેલ માટે પોલીસ અધિકારીઓ, વેપારીઓ અને કારીગરો વચ્ચે મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કારીગરોને હાલ પૂરતી હડતાળ સમેટી લેવા અપીલ કરવામાં આવી છે.
