ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતમાં પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયા, હિરપરા જયંતીભાઈ, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદી જણાવે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તારીખ 10 અને 11 ગુજરાતના પ્રવાસે હોય અને સોમનાથ ખાતે ’સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અંતર્ગત આવી રહ્યા છે ત્યારે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ વડાપ્રધાનને આવકારે છે.
ગુજરાત એસ.ટી દ્વારા પ્રજાના ખર્ચે વડાપ્રધાનના કાર્યક્રમોમાં મેદની એકત્ર કરવા દરેક ડિવિઝનો માંથી બસો ફાળવવામાં આવી છે. જેમાં અંદાજે 2000 જેટલી બસો ફાળવી દેવામાં આવતા 5500 એસ.ટી ની ટ્રીપ રદ કરવામાં આવશે. રાજકોટ એસ.ટી ડિવિઝન એ 200 બસોની ફાળવણી કરતા 600 ટ્રીપ કેન્સલ કરી છે. જે પગલે મુસાફર જનતાને અપીલ છે કે બે દિવસ જરૂૂર વગર પ્રવાસ કરવાનું ટાળજો અન્યથા હેરાન પરેશાન થશો. અને ખાનગી વાહનો સરકારી તંત્ર ની મીઠી નજર હેઠળ ઉઘાડી લૂંટ ચલાવશે.
કડકડતી ઠંડીમાં 5500 ટ્રીપ કેન્સલ કરવામાં આવતા મહિલા મુસાફરો, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ, નાના બાળકોની હાલત કફોળી બનશે. અને બે દિવસ નવી નકોર બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવશે જે પગલે ભંગાર અને ખખડધજ બસો ભાઠા જેવી બસો ચલાવવામાં આવશે જે ગમે ત્યારે અંતરિયાળ બ્રેક ડાઉન થઈ શકે. વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકત્ર કરવાનો શાસકોને અભરખો જાગ્યો હોય તો એસ.ટી બસો કબજે કરી સરકારી વાહનનો દૂરુપયોગ બંધ કરવો જોઈએ અને ચૂંટણી સમયે જે રીતે ખાનગી વાહનો કબજે કરે છે તે પ્રકારે ખાનગી બસો અને પેસેન્જર વ્હીકલ ડીટેઇન લઈ ભાડું ચૂકવી દેવું જોઈએ.
સરકાર એસ.ટી નું ભાડું સમયસર ચૂકવતી નથી. સરકારી તાયફાઓમાં કબજે લેવાયેલ એસ.ટી. નું અત્યાર સુધીમાં કુલ કેટલું ભાડું બાકી છે તેની રાજ્યના લાખો મુસાફરો વતી સરકાર સ્પષ્ટતા કરે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે સરકારી ઉત્સવમાં 500 કરોડનો ધુમાડો કરી 60 હજાર જેટલી બસો ની સુવિધા ઝુંટવી લેવામાં આવતા એક બાજુ સલામત સવારી બીજી બાજુ કલાકો સુધી એસ.ટી બસ સ્ટેશનમાં બેસો બસો નહીં મળે.

