ગીરને જોવાની નવી દ્રષ્ટિ આપે છે આ મહિલા વનસંરક્ષક

ગીરનું નામ સાંભળતા જ મનમાં સૌપ્રથમ સિંહનું ચિત્ર આંખ સામે આવે છે. ગીરમાં જઈને પણ જો સિંહના દર્શન ન થાય તો ઘણા પ્રવાસીઓ નિરાશ થાય…

ગીરનું નામ સાંભળતા જ મનમાં સૌપ્રથમ સિંહનું ચિત્ર આંખ સામે આવે છે. ગીરમાં જઈને પણ જો સિંહના દર્શન ન થાય તો ઘણા પ્રવાસીઓ નિરાશ થાય છે. પરંતુ ગીરની સાચી ઓળખ માત્ર સિંહોમાં સીમિત નથી. અહીં અલભ્ય ઔષધીય વનસ્પતિઓ, સેંકડો પક્ષીઓની પ્રજાતિઓ અને પ્રકૃતિનું અદ્દભૂત સૌંદર્ય વસે છે. ગીરને આ દૃષ્ટિએ પણ જોવાનો સંદેશ આપે છે ગીરમાં ફરજ બજાવતા મહિલા વનસંરક્ષક વંદનાબેન વાલવાણી.છેલ્લા નવ વર્ષથી ગીર અભ્યારણ્યમાં ફરજ બજાવતા વંદનાબેન ગીરને પોતાની કર્મભૂમિ જ નહીં, પરંતુ જીવનનું અભિન્ન અંગ માને છે. તેઓ હસતાં હસતાં કહે છે, “જંગલનો ઇન્ટિરિયર વિસ્તાર જ્યાં મોબાઈલનું કવરેજ આવતું ન હોય એવા વિસ્તારમાં ફરજ બજાવવાની હતી. શરૂૂઆતમાં લાગતું હતું કે આ કામ કેવી રીતે થશે? પરંતુ આજે લાગે છે કે ગીરે જ મને અહીં બોલાવી છે. પ્રકૃતિએ મને ઘડી છે.”

જૂનાગઢમાં જન્મેલા અને માઇક્રોબાયોલોજીમાં બી.એસસી.-બી.એડ. સુધીનો અભ્યાસ કરનાર વંદનાબેનને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હતો. તેમના પિતા તેમને વારંવાર બર્ડ વોચિંગ માટે જંગલમાં લઈ જતા. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા બાદ તેમની પ્રથમ નિમણૂક કનકાઈમાં થઈ. ગીર વિસ્તારના સંરક્ષણ અને સંવર્ધન તરીકેની જવાબદારીમાં વૃક્ષો,વન્ય પ્રાણીઓ, વનસ્પતિનું રક્ષણ કરવાનું તેમજ ઉનાળામાં આગ ન લાગે, પ્રાણીઓને સરળતાથી પાણી ઉપલબ્ધ થાય તેમજ હેબીટાટ ઇમ્પ્રુવમેન્ટના કાર્યો પણ કરવાના હોય છે.તેઓ જણાવે છે કે અમારી જોબ 24ડ્ઢ7 અને 365 દિવસની હોય છે. રજા હોય કે તહેવારો અમારે ડ્યૂટી નિભાવવાની હોય છે પણ હવે આ બધું ગમવા લાગ્યું છે.સારા કર્મો કર્યા હોય તેને જ સિંહ સેવાનો મોકો મળે છે.

એક વખત દીપડાની ગણતરીનું કાર્ય હતું દરેકને જુદા-જુદા વિસ્તારોની જવાબદારી સોંપી હતી.અમે સાંજે અમારા વિસ્તારમાં પહોંચ્યા ત્યાં જ એક સિંહણ બે બચ્ચા સાથે અમારાથી 200 મીટર દૂર આવી અને બેસી ગઈ. અમે પણ તેને ખલેલ ન પહોંચે તેનો ખ્યાલ રાખ્યો. આખી રાત તેણે ત્યાં જ ગાળી. અમે તેના અવાજો સાંભળી રહ્યા હતા અને ડરવાના બદલે સેફ ફિલ કરી રહ્યા હતા કારણ કે જ્યાં સિંહ હોય ત્યાં દીપડો ન આવે સવાર થતા સિંહણ બચ્ચાને લઈને ચાલી ગઈ અને અમે કામે લાગ્યા.આ અનુભવ સાબિત કરે છે કે જો તમે પ્રાણીઓને હેરાનગતિ કરતા નથી તો તેઓ પણ શાંત રહે છે.

ગીરમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા વંદનાબેનનું સ્વપ્ન જીવનભર ગીરની ગોદમાં રહી પ્રકૃતિની સેવા કરવાનું છે.ગીરની ઓળખ માત્ર સિંહોથી નથી, પરંતુ તેની દરેક વનસ્પતિ, દરેક પક્ષી અને સમગ્ર પ્રકૃતિથી છે. સિંહ જોવા નહીં ગીર જોવા આવો આ જ સંદેશ વંદનાબેન વાલવાણી પોતાના કાર્ય દ્વારા સમાજ સુધી પહોંચાડી રહ્યા છે. તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વડાપ્રધાન સાથેની મુલાકાત જીવનની અમૂલ્ય ક્ષણ
તા. 3 માર્ચ, 2025ના રોજ નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તે પૈકીના એક કાર્યક્રમમાં મહિલા વનસંરક્ષકો અને ગાઈડ બહેનો સાથે વડાપ્રધાનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.15 ગાઈડ બહેનો અને 10 બીટ ગાર્ડ બહેનોમાં વંદનાબેન વાલવાણીની પસંદગી થઈ હતી .તેઓ જણાવે છે કે મારા માટે ગોલ્ડન ચાન્સ હતો આ માટે હું મારા ઉપરી અધિકારીઓનો આભાર માનું છું. બહેનોના રીપ્રેઝન્ટેટિવ તરીકે પસંદગી થઈ ત્યારે આનંદ સાથે મૂંઝવણ પણ હતી કે મોદીજી સાથે કઈ રીતે વાત કરીશું પરંતુ તેઓએ એકદમ હળવાશથી વાતચીત કરીને અમને ચિંતા મુક્ત કરી દીધા. અમારી નોકરીના અનુભવો, તેમાં આવતા પડકારો,કામગીરી તેમજ ગીરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે સુરક્ષા વધારી શકાય એ બાબતના સૂચનો કર્યા હતા.

ગીર વન વગડો: અલભ્ય વનસ્પતિઓનો જીવંત ખજાનો
વંદનાબેન કહે છે, “મારી કારકિર્દીમાં મારા ગુરુ અલ્પેશભાઈ ટાંકનો સૌથી મોટો ફાળો છે.” હાલ તેઓ અલ્પેશભાઈ સાથે મળીને ’ગીર વન વગડો નેચરલ ફાર્મ’ વિકસાવી રહ્યા છે. અહીં જંગલમાંથી લુપ્ત થતી વનસ્પતિઓનું સંરક્ષણ કરવામાં આવે છે અને લોકોમાં વિનામૂલ્યે તેનું વિતરણ કરવામાં આવે છે. આ ફાર્મમાં આજે 700 જેટલી વનસ્પતિઓ ઉછેરવામાં આવી રહી છે. પુસ્તકો, ઇન્ટરનેટ, વિવિધ શિબિરો અને વન વિભાગની નર્સરીઓમાંથી અલભ્ય વૃક્ષોના બીજ એકત્ર કરીને તેમનો ઉછેર કરવામાં આવે છે. શરૂૂઆતમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં રોપા તૈયાર કરીને ખેડૂતોને આપવામાં આવતા હતા. આજે તે પ્રયાસ એક હરિયાળા જંગલમાં પરિવર્તિત થયો છે.ફાર્મમાં રૂૂખડો, શિવલિંગી, ઝેરકોચલું, સર્પગંધા, કાળી અરડુસી, રગતરોહિડો, ટેટૂ, પાટલા, કપિલો, ભીલામો, મવેડો, મોઝાર, અંજન, પુત્રંજીવા, અશોક, અર્જુન સહિત 550થી વધુ પ્રકારના વેલા, ક્ષુપ, વૃક્ષો, નાશપ્રાય ઔષધીય, સુશોભિત કેક્ટસ અને સક્યુલન્ટ્સનું સંવર્ધન કરવામાં આવે છે.

ગીરમાં જાવ તો આટલું રાખજો ધ્યાન

વંદનાબેન કહે છે, “વન વિભાગ પોતાની કામગીરી કરે છે, પરંતુ લોકોના સહયોગ પણ એટલો જ જરૂૂરી છે.” તેઓ પ્રવાસીઓને અપીલ કરે છે કે જંગલમાં ક્યાંય પણ પ્લાસ્ટિક કે કચરો ન ફેંકો. જંગલમાંથી પસાર થતાં સ્વચ્છતા જાળવો અને પ્રકૃતિને નુકસાન પહોંચાડે તેવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહો.સિંહ જંગલનો રાજા છે. તેથી તેની મર્યાદા જાળવવી જોઈએ. આપણા બંધારણમાં પણ દરેક નાગરિકની ફરજ તરીકે જંગલો, વૃક્ષો, પ્રાણીઓ અને વનસ્પતિના સંરક્ષણની વાત કરવામાં આવી છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી છે.”