જિલ્લામાં અકસ્માતની 408 ઘટના, 221ને ગંભીર અને 95 લોકોને સામાન્ય ઈજા પહોંચી
જામનગર જિલ્લામાં રોડ સલામતી એ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં નોંધાયેલા અકસ્માતોના આંકડા ચોંકાવનારા છે. સેંકડો લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે
. આ અકસ્માતોના મુખ્ય કારણોમાં ઝડપ, નશામાં વાહન ચલાવવું, લાપરવાહી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યા છે.જામનગર-કાલાવડ હાઇવે જેવા મુખ્ય માર્ગો પર સૌથી વધુ અકસ્માતો થયા છે. શહેર વિસ્તારની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે. આનું કારણ એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું પાલન ઓછું થાય છે અને વાહન ચાલકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.
જામનગર શહેર-જિલ્લામાં વર્ષ 2024ના વર્ષમાં રોડ અકસ્માતના 408 બનાવોમાં 130 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે 221 વ્યક્તિઓને ગંભીર અને 95 વ્યક્તિઓને માઈનોર ઈજાઓ પહોંચી છે. જેમાં જામનગર-કાલાવડ હાઈવે ઉપર અકસ્માતમાં સૌથી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.જામનગર ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા રોડ સેફટી તેમજ ટ્રાફીક નિયમોની જાણકારી અંગેના અવાર-નવાર કેમ્પો યોજીને લોકોને સમજ આપે છે. તેમ છતાં અકસ્માતોના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે.
ત્યારે વર્ષ 2024માં જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીની વાત કરીએ અત્યાર સુધીમાં રોડ અકસ્માતના 406 બનાવો બન્યા છે.
જેમાં 130 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો 221 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને 95 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જ્યારે સામાન્ય અકસ્માતના બનાવમાં મોટા ભાગે સમાધાન થઈ જતું હોય અને કેસ પણ થતા ન હોવાથી તેવા કેસ પોલીસ ચોપડે નોંધાતા નથી. અકસ્માતના બનાવોમાં પણ પંચકોશી એ ડિવિઝન વિસ્તારમાં સૌથી વધુ અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. જેમાં છેલ્લા એક વર્ષમાં અકસ્માતના બનાવમાં 24 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેર વિસ્તારમાં અકસ્માતના બનાવો ઓછા બન્યા છે અને મૃત્યુના બનાવો પણ માત્ર 10 જ બન્યા છે. શહેરી લોકોએ સાવચેતીથી વાહનો ચલાવીને પોતાની જીંદગી બચાવી રહ્યા છે.

