સગીરની આપવીતી પરમ સત્ય: પોક્સો ગુના છૂપાવનારા સામે સુપ્રીમની લાલ આંખ

અરૂણાચલ પ્રદેશના એક કેસમાં કહ્યું, જવાબદાર વ્યક્તિ કાનૂની ફરજમાંથી છટકી શકે નહીં સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના એક ચકચારી કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે…

અરૂણાચલ પ્રદેશના એક કેસમાં કહ્યું, જવાબદાર વ્યક્તિ કાનૂની ફરજમાંથી છટકી શકે નહીં

સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના એક ચકચારી કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સગીર બાળક પોતાની સાથે થયેલા જાતીય શોષણની વાત કોઈને પણ જણાવે, તો તે માહિતીને સંપૂર્ણપણે સાચી અને વિશ્વસનીય માનવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે ગુવાહાટી હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના આદેશોને ફગાવી દઈને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પીડિત બાળકના શરીર પર ઈજાના નિશાન ન હોવાને બહાને કોઈ પણ જવાબદાર વ્યક્તિ પોતાની કાનૂની ફરજમાંથી છટકી શકે નહીં. જસ્ટિસ મનોજ મિશ્રા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આદેશ આપ્યો છે કે સગીર બાળકની આવી સંવેદનશીલ ફરિયાદ મળતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવી એ માહિતી મેળવનારની કાનૂની અને નૈતિક જવાબદારી રહેશે.

આ સમગ્ર મામલો અરુણાચલ પ્રદેશની એક શાળાનો છે, જ્યાં આઠ વર્ષની માસૂમ બાળકીએ એક સિનિયર છોકરા પર જાતીય હુમલાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. બાળકીએ આ ભયાનક આપવીતી તેના શિક્ષકો અને મુખ્ય શિક્ષિકાને જણાવી હોવા છતાં, શાળા વહીવટીતંત્રે આ મામલાને દબાવવા અને પુરાવાનો નાશ કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો હતો. નીચલી અદાલતોએ મેડિકલ રિપોર્ટમાં બાહ્ય ઈજાના પુરાવા ન હોવાનું કહીને શાળાના સ્ટાફને નિર્દોષ છોડી દીધા હતા, જેને દેશની સર્વોચ્ચ અદાલતે કાયદાની ગંભીર ક્ષતિ ગણાવીને તીવ્ર ફટકાર લગાવી છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે માસૂમ બાળકો તેમની ઉંમરના કારણે ગુનાની ગંભીરતા કે વ્યાખ્યાને કદાચ અસ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે, તો પણ તેમની ફરિયાદને નકારી શકાય નહીં. જો કે, અદાલતે રાહત આપતા એ પણ સ્પષ્ટ કર્યું છે કે સંસ્થાના તમામ લોકો પર આડેધડ કેસ નહીં થાય, પરંતુ જે જવાબદાર વ્યક્તિને બાળકે સીધી વાત કરી હોવા છતાં જેણે ગુનો છુપાવ્યો હશે, તેના પર ઙઘઈજઘ કાયદાની કલમ 21 હેઠળ કડક ફોજદારી કાર્યવાહી થશે. આ કેસમાં કાયદાકીય જોગવાઈ મુજબ સગીરોને બાકાત રાખીને, ગુનો દબાવનારા આરોપી શિક્ષક સામે કાનૂની કાર્યવાહી ચલાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.