હરિયાળી ક્રાંતિની નાનકડી શરૂઆત

દરેક મોટી ક્રાંતિની શરૂઆત એક નાના પગલાંથી જ થાય છે. આજે પર્યાવરણને બચાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે તેમાં કાગળની એક નાનકડી થેલી પણ મહત્વની…

દરેક મોટી ક્રાંતિની શરૂઆત એક નાના પગલાંથી જ થાય છે. આજે પર્યાવરણને બચાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે તેમાં કાગળની એક નાનકડી થેલી પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો ધરતી બોલી શકતી હોત તો એટલું આજે જરૂર કહેતી હોત કે, “મને પ્લાસ્ટિકના ભારથી મુક્ત કરો.” આજના આધુનિક યુગમાં માનવજાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ વિકાસની આ દોડમાં પર્યાવરણ પર પડતા પ્રભાવને અવગણવું હવે શક્ય નથી. માટે જ આપણો એક નાનકડો બદલાવ પણ ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. સમયસરની જાગૃતિ મસમોટું પરિણામ આપી શકે છે.

આજે માણસ ભલે ચંદ્ર કે મંગળ સુધી પહોંચી ગયો, પરંતુ બીજી તરફ ધરતી પર એટલું જ પ્રદૂષણ વધારવા લાગ્યો છે. ચારેકોર આપણને ગ્લોબલ વોર્મિંગની જ નિશાનીઓ વર્તાઈ રહી છે. સમગ્ર વિશ્વ માટે મહાન સિદ્ધિઓની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની બેદરકારી એક મોટી ચિંતાનો વિષય બનતો જાય છે. તમે જ્યાં પણ બેઠા છો ત્યાંથી માત્ર એક નજર આંખો બંધ કરીને અનુભવો કે, “આજે શહેરોથી લઈને ગામડા સુધી, નદીઓથી લઈને સમુદ્ર સુધી તેમજ રસ્તાઓથી લઈને જંગલો સુધી પ્લાસ્ટિકનો કચરો ઠેર ઠેર જોવા મળશે. અરે આટલું જ નહીં આપણી પ્રાણ સમાન પ્રકૃતિને જ જડમૂળથી ઉખેડવા માનવ મેદની ઉભરાતી જોવા મળશે.” આ ચિહ્નો વિકાસ કરતા વધુ વિનાશના જણાઈ રહ્યા છે.

એકાદ દશકા પહેલાં જ માણસો કાપડની થેલીઓ વાપરતાં, પરંતુ આજે સુવિધા અને સસ્તાઈને કારણે લગભગના જીવનમાં પ્લાસ્ટિક બેગે મહત્વનું સ્થાન લઈ લીધું છે. દર વર્ષે કરોડો ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે. આ પ્લાસ્ટિક વર્ષો સુધી નષ્ટ થતું નથી. પરિણામે જમીનની ફળદ્રુપતા પણ ઘટવા લાગે છે. આવી તો અનેક આફતો આપણે આજે ભોગવી પણ રહ્યાં છીએ, તેમજ બાળકોને વારસામાં પણ આપીએ છીએ. જેથી આવનારો યુગ હજુ મહામારી ભોગવવા માટે આજથી જ તૈયાર થઈ જાય તો નવાઈ નહીં. સરકાર પગલા લે કે ના લે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે વારસારૂૂપ પર્યાવરણ બચાવવાની નાનકડી કોશિશ જો કરશે તો જ આવનારી પેઢી સ્વચ્છ અને સુરક્ષિત રહી શકશે. સરકાર પર ક્યાં સુધી નિર્ભર બનીને હાથ પર હાથ ધરીને બેઠા રહીશું? દરેક નાગરિક ફક્ત એક જ કદમ આગળ વધે તો જ આ મહામારીમાંથી છૂટી શકાશે.

યુવાનો જો ધારે તો સમાજમાં સૌથી ઝડપી પરિવર્તન લાવી શકે તેમ છે. કેમકે તેઓ સોશિયલ મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક પ્રવૃતિઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ જરૂૂર ફેલાવી શકે છે. યુવાનો કોઈ સારા કાર્યને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવી લે ત્યારે સમાજ પણ તેની પાછળ હંમેશા હોય જ છે. ધરતીનું જતન કરવું એ આપણી દરેકની નૈતિક જવાબદારી છે. આજે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દીધો છે. છતાં પણ લારીઓ, અનેક નાની દુકાનોમાં, રોડ પર વેચાતી અનેક વસ્તુઓ સાથે પ્લાસ્ટિક બેગ આપણે જ હોંશે હોંશે ઘરે લાવીએ છીએ. આ બેગ અહીંથી કચરામાં જઈને ક્યાં પહોંચે છે એનો ક્યારેય વિચાર સુધ્ધા નથી કરતાં. પરિણામે આપણે જ આપણી બેદરકારીનો ભોગ બનીશું.

કાયદાઓનું પાલન કરવામાં આપણે જ ચૂક ખાઈએ છીએ. સરકાર જો કાયદાના ઉલ્લંઘનના આકરા દંડ વસૂલે તો આપણે પરાણે મન મારીને કામ કરીશું, પરંતુ આપણી જ ધરતીનું જતન જો આપણે પૂરા મનથી કરીશું તો જ પર્યાવરણ બચી શકે તેમ છે. દરેક વ્યક્તિ ફક્ત પ્લાસ્ટિક બેગ નહીં વાપરે અને આજુ બાજુમાં કે જાહેર જગ્યાઓ પર ગંદકી નહીં કરે તો પણ ઘણો બદલાવ આવી શકે તેમ છે. અંતમાં, આવતીકાલની હરિયાળી ધરતી માટે આજે માત્ર એક જ સંકલ્પ જરૂૂરી છે જે છે, “સુવિધા કરતાં જવાબદારીને વધુ મહત્વ આપવાનો.”