ગુજરાત
ગોધરાકાંડની ભૂતાવળ ફરી જીવંત કરશે ‘ધ સાબરમતી રિપોર્ટ’
ગુજરાતની હિસ્ટ્રી બદલી નાખનાર ઘટના આધારિત બહુચર્ચિત ફિલ્મ 15મીએ થશે રિલીઝ
વિક્રાંત મેસી અને રિદ્ધિ ડોગરા પત્રકારોની ભૂમિકામાં, વૈચારિક તફાવતની લડાઇનું ફિલ્માંકન
ગુજરાતમાં વર્ષ 2002માં સર્જાયેલ કલંકિત ગોધરાકાંડને લઇને બનેલી વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ આગામી તા.15 નવેમ્બરના રોજ સિનેમાગૃહમાં રિલિઝ થાય તે પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઇ ગયુ છે.
લોકો લાંબા સમયથી આ ચર્ચાસ્પદ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ફિલ્મના ટ્રેલર અંગે પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ગુજરાતની સામાજિક હિસ્ટ્રીને બદલી નાખનાર ગોધરાકાંડ અને ત્યારબાદ ફાટી નિકળેલા રમખાણો દશાવેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની અત્યારથી જ ભારે ચર્ચા છે. ત્યારે ફિલ્મ રિલિઝ થયા બાદ કેવા પ્રત્યાધાત પડે છે તે જોવાનું રહ્યું
12મું ફેલ ફિલ્મથી ફેમસ થયેલા એક્ટર વિક્રાંત મેસી તેમાં લીડ રોલમાં જોવા મળશે. આ ઘટનાના ઘણા પાસાઓ છે. પરંતુ આ ઘટના તેના કવરેજના આધારે બતાવવામાં આવી છે. આ ફિલ્મનો પાયો પત્રકારના દૃષ્ટિકોણ અને તે ઘટના દરમિયાન પત્રકારોના અભિગમ પર નાખવામાં આવ્યો છે. 2 મિનિટ 52 સેક્ધડના આ ટ્રેલરમાં ઘણા સંવેદનશીલ દ્રશ્યો જોવા મળે છે. વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના જેવા કલાકારો તેમાં પત્રકારની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે તેને કેવી રીતે બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મીડિયાના દૃષ્ટિકોણથી ફિલ્મ જોવા અને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા એકતા કપૂરે કહ્યું હતું કે આ ફિલ્મ બનાવતી વખતે કોઈ કોન્સપિરેસી થિયરી લેવામાં આવી નથી પરંતુ તે સંપૂર્ણ રીતે સંશોધન અને તથ્યોના આધારે બનાવવામાં આવી છે.
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ વિશે વાત કરીએ તો તે 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં વિક્રાંત મેસી ઉપરાંત રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા જોવા મળશે.
આ ફિલ્મ 2002માં થયેલી ગોધરા કાંડના સત્ય પર આધારિત છે. હવે એ કડવું સત્ય દર્શાવતી ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
27 ફેબ્રુઆરી 2002 ની સવારે સાબરમતી એક્સપ્રેસમાં જે બન્યું હતું તે સત્યને ઉજાગર ધ સાબરમતી રિપોર્ટમાં કરવમાં આવ્યુ છે.વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પત્રકારોની ભૂમિકામાં શાનદાર એક્ટિંગ કરી રહ્યાં છે.
ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ એક ઊંડી છાપ છોડશે, જે આ હૃદયદ્રાવક ઘટનાની સત્યતાને ઉજાગર કરશે અને દર્શકોને વાકેફ કરશે.
આ ટ્રેલરમાં, હિન્દી ભાષી અને અંગ્રેજી પત્રકારો વચ્ચેના વૈચારિક તફાવતને સામે લાવવામાં આવ્યો છે, જેઓ વેસ્ટર્ન પ્રભાવથી પ્રેરિત હોવા છતાં, રાજકારણ અને દુ:ખદ ઘટનાઓના કવરેજને પ્રભાવિત કરે છે.