Site icon Gujarat Mirror

કોંગ્રેસની અવદશાનું કારણ સંગઠનની ખામી ઉપરાંત વૈચારિક સ્પષ્ટતાનો અભાવ છે

કોંગ્રેસના બડફાઓના સરદાર દિગ્વિજયસિંહે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં કાઢેલા બળાપાએ ચર્ચા જગાવી છે. નરેન્દ્ર મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાંખ્યું તેના વિરોધમાં આંદોલન કરવા અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે દિગ્વિજયે ડહાપણ ડહોળ્યું કે, કોંગ્રેસ આંદોલનો અને વિરોધની વાતો તો કરે છે પણ તેની પાસે આંદોલનો કરવા માટે સંગઠન જ ક્યાં છે? દિગ્વિજયે દાવો કર્યો કે, કોંગ્રેસમાં ઘણા બધા સ્લીપર સેલ સક્રિય છે અને તેમને ઓળખી કાઢવાની જરૂૂર છે. કોંગ્રેસ તેમના કારણે જ આગળ આવી શકતી નથી. આ બળાપાના કારણે દિગ્વિજય ચર્ચામાં હતા જ ત્યાં નરેન્દ્ર મોદી અને સંઘનાં વખાણ કરતી તસવીર મૂકીને તેમણે નવો મુદ્દો આપી દીધો. તસવીરમાં મોદી લાલકૃષ્ણ અડવાણીના પગ પાસે નીચે બેઠા છે. દિગ્વિજયનું કહેવું છે કે, સંઘમાં સામાન્ય કાર્યકર નેતાઓના પગ પાસે બેસીને મુખ્યમંત્રી અને વડા પ્રધાન પણ બન્યો. આ સંગઠનની તાકાત છે, જય સિયારામ. કોંગ્રેસ પાસે સંગઠન નથી એ વાત સાચી છે પણ કોંગ્રેસની અવદશા માટે સંગઠનની ઊણપ કરતાં વધારે મોટું કારણ તેની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ છે.

આ ઈમેજ દિગ્વિજય સહિતના નેતાઓની જ દેન છે. દિગ્વિજય સહિતના નેતાઓની હાલત સબ કુછ લૂટા કે હોશ મેં આયે તો ક્યા કિયા જેવી છે પણ તકલીફ એ છે કે, હજુ પણ એ લોકો પૂરા હોશમાં તો આવ્યા જ નથી અને કોંગ્રેસની અવદશા પર આત્મમંથન કરીને પોતે શું કરી શકે એ વિચારવાના બદલે બીજાનો જ વાંક કાઢ્યા કરે છે. દિગ્વિજય સહિતના નેતા અત્યારે પણ બેફામ લવારા કરે છે અને કોંગ્રેસ તેમને રોકી શકતી નથી. નરેન્દ્ર મોદીના દસ વર્ષના શાસનમાં આ દેશે બહુ જબરદસ્ત વિકાસ નથી કરી નાંખ્યો કે લોકોનાં જીવનધોરણ સુધરી ગયાં નથી છતાં ભાજપ હારતો નથી કેમકે દિગ્વિજય સહિતના નેતાઓના કારણે હિંદુવાદી મતદારો પાછા કોંગ્રેસ તરફ વળતા નથી. બેફામ મોંઘવારી, બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર સહિતની સમસ્યાઓ હજુય છે જ છતાં લોકોને ભાજપ ગમે છે કેમ કે કોંગ્રેસ હજુય મુસ્લિમ તુષ્ટિકરણમાં અટવાયેલી છે.

બીજુ કારણ સાશક નેતાઓની ઉપેક્ષા છે. 2018ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ જીતેલી અને સરકાર બનાવી હતી. મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જીતનો મુખ્ય યશ જ્યોતિરાદિત્ય સિંધિયાને જતો હતો ને સિંધિયાને મુખ્યમંત્રી બનાવવાની જરૂૂર હતી પણ દિગ્વિજય સહિતના જૂના નેતાઓએ સિંધિયાને મુખ્યમંત્રી ના બનવા દીધા ને સાવ ઘરડા ને ભ્રષ્ટ કમલનાથને ગાદી પર બેસાડયા. આસામમાં હિંમત બિસ્વ સરમાથી માંડીને રાજસ્થાનના સચિન પાયલોટ સહિતના તમામ યુવા નેતાઓના કેસમાં આવું જ થયું છે. કર્ણાટકમાં પણ છેલ્લા એવું જ થયું ને ડી.કે. શિવકુમારના બદલે ઘરડા સિધ્ધરામૈયાને બેસાડી દીધા છે. પાયલોટ ગમ ખાઈને કોંગ્રેસમાં જ રહી ગયા છે પણ બીજા નેતા જતા રહ્યા તેમાં કોંગ્રેસ વખારમાં નાંખવાને લાયક નેતાઓની જ પાર્ટી બનીને રહી ગઈ છે.

Exit mobile version