ગુજરાત
ભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશે
ગુજરાતમાં ભાજપ દ્વારા ચાલી રહેલ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ગત રવિવારે સ્થગિત કરવામાં આવ્યા બાદ હવે આ પ્રક્રિયા આવતીકાલ ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવનાર છે. અને તા.30 ડિસેમ્બર સુધીમાં મંડલ (તાલુકા વોર્ડ) પ્રમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણુકો પૂર્ણ કરી લેવામાં આવનાર છે.
ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે મંડલ પ્રમુખ માટે 40 વર્ષની વય મર્યાદા છે પરંતુ પાંચ વર્ષની છૂટછાટ પણ અપાઇ છે. 45 વર્ષથી એક દિવસ મોટા હોય તો પણ મંડળ પ્રમુખ માટે લાયક ગણવામાં આવશે નહીં.
આવતીકાલથી બે દિવસ જે-તે શહેર-જિલ્લાના ચૂંટણી અધિકારી તથા સહ ચૂંટણી અધિકારીઓ મંડલ પ્રમુખપદ માટે ફોર્મ ભરનાર દાવેદારો અંગે બુથ અધ્યક્ષોને સાંભળી તેમના અભિપ્રાય લેશે જ્યારે ત્યાર બાદ વિધાનસભા વાઇઝ સંક્લનની બેઠક યોજાશે અને તેમાં વોર્ડ તાલુકા પ્રમુખો માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
આ દરમિયાન તા.16 અને 17 ડિસેમ્બરે ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક યોજી મંડલ વાઇઝ પ્રમુખ પદ માટે ભરાયેલા ફોર્મ, બુથ અધ્યક્ષોના અભિપ્રાય સહિતનો રીપોર્ટ આપશે અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી મંડળ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે.
કાનગડે જણાવ્યું હતુ કે, આગામી તા.30 સુધીમાં મંડલ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણુકો પણ પૂર્ણ થઇ જવાની ધારણા છે. મોટાભાગની પ્રક્રિયા નિયત સમય મુજબ જ ચાલી રહી છે.