પત્ની પિયર જતી રહેતા પતિએ ટાવર પર ચડીને બેનર ફરકાવ્યું

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી પ્રેમ, તકરાર અને હાઈ ડ્રામાનો વાઇરલ કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની રિસાઈને પિયર જતી રહેતાં તેને…

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી પ્રેમ, તકરાર અને હાઈ ડ્રામાનો વાઇરલ કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની રિસાઈને પિયર જતી રહેતાં તેને મનાવવા માટે 40 વર્ષનો પતિ સીધો 200 ફુટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો. ફિલ્મ ’શોલે’ જેવી આ ઘટના નાંદેડના લોહા બસ-સ્ટેન્ડ પાસે બની હતી. સવારે 8 વાગ્યે બેટમોગરા ગામનો રહેવાસી શાહદુલ શેખ અચાનક 200 ફુટ ઊંચા ટાવર પર ચડી ગયો અને ટોચ પર જઈને એક મોટું બેનર ફરકાવવા લાગ્યો. આ દૃશ્ય જોઈને રસ્તા પર વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં અને સેંકડો લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

શાહદુલ અને તેની પત્ની બન્ને સાંભળી કે બોલી શકતાં નથી. થોડા દિવસ પહેલાં દંપતી વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ હતી એટલે પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ હતી. પત્નીનો વિરહ સહન ન થતાં પતિએ અનોખો રસ્તો અપનાવ્યો. તેણે ટાવર પરથી બેનર લહેરાવ્યું, જેમાં સાસરિયાંઓને વિનંતી કરી હતી કે ’મારી પત્નીને પાછી મોકલી દો અને અમારો સંસાર બચાવી લો. નહીંતર હું અહીંથી કૂદી પડીશ.’

ટાવર નીચે વિડિયો ઉતારતા લોકોની ભીડ જામી ગઈ અને પોલીસનો કાફલો પણ તેને નીચે ઉતારવા મથામણ કરવા લાગ્યો હતો. આખરે તેની પત્ની ઘટનાસ્થળે પહોંચી ત્યારે પતિદેવ શાંતિથી ટાવર પરથી નીચે ઊતરી આવ્યા હતા. પત્નીને મનાવવા માટે પતિનો ’શોલે’ સ્ટાઇલના સ્ટન્ટનો આ વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.