યુરિયાની કાળાબજારી રોકવા સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાસ કમિટી રચાઈ

ખેડૂતોના હકનું અને ધરતીપુત્રોના પસીનાનું મૂલ્ય હવે જોખમમાં મુકાયું છે. પડદા પાછળ ચાલી રહેલા એક મોટા ખેલનો પર્દાફાશ થવાની તૈયારીમાં છે, જ્યાં જરૂૂરિયાતમંદોને વંચિત રાખીને…

ખેડૂતોના હકનું અને ધરતીપુત્રોના પસીનાનું મૂલ્ય હવે જોખમમાં મુકાયું છે. પડદા પાછળ ચાલી રહેલા એક મોટા ખેલનો પર્દાફાશ થવાની તૈયારીમાં છે, જ્યાં જરૂૂરિયાતમંદોને વંચિત રાખીને નફાખોરીનો ગંદો વ્યવસાય ફૂલ્યો-ફાલ્યો છે. આ આખી સિન્ડિકેટને તોડવા માટે સરકાર હવે આક્રમક થઈ છે. રાજ્ય સરકારે ખેતી લાયક યુરિયાની કાળા બજારી રોકવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ વિભાગ હવે જિલ્લા કક્ષાએ ખાસ કમિટી બનાવીને દેખરેખ રાખશે. આ કમિટી સીધી રીતે ખાતરના જથ્થા પર નજર રાખશે. કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે. આ વ્યવસ્થાથી છેવાડાના ખેડૂત સુધી પૂરતું ખાતર પહોંચશે અને વચેટિયાઓનો ત્રાસ ઓછો થશે.

આ નવી સમિતિમાં માત્ર કૃષિ અધિકારી જ નહીં, પરંતુ જીએસટી (GST) અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ પણ જોડાશે. ટેક્સ વિભાગ અને ઉદ્યોગ જગતના એક્સપર્ટ્સ સાથે મળીને કામ કરશે. ખેતીમાં વપરાતું સબસિડીવાળું યુરિયા બિનઅધિકૃત રીતે ફેક્ટરીઓમાં પહોંચવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે આ મામલે કમિટિ નિષ્પક્ષ તપાસ કરશે. આ સંકલિત અભિગમથી કોઈપણ સ્તરે થતી ગેરરીતિ પકડવી સરળ બનશે.

ખાસ કરીને ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઈડ અને પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીમાં ખેતીના યુરિયાનો મોટો વપરાશ થતો જોવા મળે છે. સસ્તું યુરિયા મેળવવા માટે ઉદ્યોગપતિઓ ઘણીવાર ડાયવર્ઝનનો સહારો લેતા હોય છે. સરકાર હવે આ પ્રકારના કૌભાંડ સામે સક્રિય બની છે. ઈન્ડસ્ટ્રીમાં થતી આ ગેરરીતિ સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી બજારમાં ખાતરની કૃત્રિમ અછત સર્જાતી અટકશે. જ્યારે યુરિયાની હેરાફેરી અટકે છે ત્યારે તેની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડે છે. 2026 ના વર્ષમાં ખેતીના સાધનો અને ખાતરની ઉપલબ્ધતા વધારવા માટે આ મોડલ ખૂબ ઉપયોગી સાબિત થશે. ખેડૂતોને સીઝન દરમિયાન ખાતર માટે લાઈનોમાં ઊભા રહેવું પડશે નહીં.