ગુજરાત
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીની રજાઓ પહેલાં મગફળીની આવકથી ઊભરાયું
યાર્ડની બહાર બન્ને બાજુ 6 કિ.મી. લાંબી વાહનોની કતાર લાગી: 20 કિલોના ભાવ રૂા.600થી રૂા.1200 ભાવ બોલાયા
સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ખેડૂતોનું અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પેહલા મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ અંદાજે 1200 થી વધુ વાહનો અને 5 થી 6 કી.મી. લાંબી વાહનોની કતાર લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે મગફળીની 1.50 લાખ કરતા વધુ અને સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની જાહેરાત થતા સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને સવારથી જ યાર્ડની બહાર આવી પોહચ્યા હતા અને મોડીરાત્રીના જણસીની આવક શરૂ કરવામાં આવી હતી. મગફળીની જણસીની આવક દરમ્યાન ખેડૂતોને તકલીફ ન પડે અને મગફળી વ્યસ્થિત જગ્યા પર ઉતારવામાં આવે તેને લઈને માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત યાર્ડના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. યાર્ડના છાપરા નીચે ઉપરાંત મરચાના ગ્રાઉન્ડમાં મગફળીની જણસી ઉતારવામાં આવી હતી.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીનું હબ ગણાય છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીની રજાઓ આવતી હોય તેને લઈને આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી. મગફળીની હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂૂ.600 થી રૂૂ.1200 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂૂ.700 થી રૂૂ.1700 સુધીના ભાવ બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજરોજ મગફળીની આવકથી ઉભરાયું હતું અને અંદાજે 1.50 લાખ ગુણી થી વધુ મગફળીની આવક થવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરના જિલ્લાઓ માંથી જેવાકે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓ માંથી મગફળીની આવક નોંધાઈ હતી. ત્યારે યાર્ડમાં જણસી ઉતારવા માટે જગ્યા ન હોય તેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી અને જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસી લઈને આવવું નહિ તેવું અંતમાં યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.