Site icon Gujarat Mirror

મોટી પાનેલીમાં ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારોની પગારના અભાવે હાલત કફોડી

નવ મહિનાથી પગાર ન મળતા 21 પરિવારોનું આર્થિક સંકળામણ વધ્યું

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ગ્રામ પંચાયત હસ્તક કામ કરતા સફાઈ કામદારો છેલ્લા નવ મહિનાથી વેતનથી વંચિત રહેતા તેમની સ્થિતિ અત્યંત દયાજનક બની છે. એક તરફ ’સ્વચ્છ ભારત’ ના નારા લગાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગામને સ્વચ્છ રાખતા 21 જેટલા સફાઈ કામદારો આજે ભૂખમરાની કગાર પર આવી ગયા છે તો કે આમ અમને તેમના દ્વારા ગ્રામ પંચાયત સહિત તમામ ઉચ્ચ કચેરીઓમાં ફરિયાદ કરી છે પરંતુ તેમની ફરિયાદનું યોગ્ય નિકાલ કે નિરાકરણ નહીં આવતા તેઓ આર્થિક સંકળામણમાં હોવાનું જણાવી રહ્યા છે.

સફાઈ કામદારોના જણાવ્યા અનુસાર, છેલ્લા નવ મહિનાથી તેમને એક પણ રૂૂપિયો પગાર પેટે મળ્યો નથી. લાંબા સમયથી પગાર ન મળવાને કારણે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. કરિયાણાના વેપારીઓએ હવે ઉધાર આપવાનું પણ બંધ કરી દીધું છે, જેના કારણે કામદારોના પરિવારો આર્થિક સંકડામણમાં ઘેરાયા છે.

માત્ર પગાર જ નથી અટક્યો, પરંતુ કામદારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં ઉપસરપંચ સહિતના જેટલા વ્યક્તિઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તેમના દ્વારા આ સફાઈ કામદારોને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. ગામમાં એવી વાતો વહેતી કરવામાં આવી છે કે કામદારો પૂરતું કામ કરતા નથી, જેના કારણે તેમનો પગાર અટકાવવામાં આવ્યો છે. કામદારોએ આ બાબતે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ નિયમિત સેવા આપે છે છતાં તેમને અન્યાય થઈ રહ્યો છે.

સફાઈ કામદારે પોતાની પીડાઓ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમે દિવસ-રાત ગામને ચોખ્ખું રાખીએ છીએ, પણ અમારા ઘરના ચૂલા ઓલવાઈ રહ્યા છે. સરકાર તાત્કાલિક અમારી ગ્રાન્ટ છૂટી કરે અને અમને અમારો હકનો પગાર અપાવે તેવી સરકારને ખાસ નમ્ર વિનંતી કરી છે.

Exit mobile version