ગુજરાત
દીપાવલીના પ્રકાશમય પર્વની શૃંખલાનો પ્રારંભ
બજારોમાં ઉમંગ અને ઉત્સાહ, આજે વાઘબારસ, કાલે ધનતેરસ, ગુરુવારે દિવાળી, શુક્રવારે ધોકો અને શનિવારે નવું વર્ષ
ગુજરાતમાં હિંદુઓના સૌથી મોટા દિપાવલીના તહેવારોની શૃંખલાનો આજે વાઘબારસથી પ્રારંભ થયો છે. રોશનીના પર્વ દિપાવલીની બજારોમાં રોનક જોવા મળી રહી છે. લોકો ભારે ઉમંગ-ઉત્સાહ સાથે કપડા-લતા, ઘરગ્રહસ્તીની ચિજ-વસ્તુઓ અને રાચરચીલુ ખરીદી રહ્યા છે. પરિણામે વેપારીઓમાં પણ ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે.
દિપાવલીના તહેવારોના કારણે શાળા-કોલેજોમાં વેકેશન જાહેર થઇ ગયા છે. જ્યારે હીરા ઉદ્યોગમાં પણ મંદીના કારણે આ વર્ષે અત્યારથી જ એક માસનું વેકેશન જાહેર કરી દેવાયું છે. તો અન્ય ઉદ્યોગોમાં પણ ગુરુવારથી અઠવાડીયાનું વેકેશન જાહેર કરાયું છે. દિવાળીના તહેવારોમાં આજે બપોર સુધી અગિયારસ છે જ્યારે બપોર બાદ વાઘ બારસ શરૂ થઇ છે. આ સાથે દિવાળીના તહેવારોની શૃંખલા શરૂ થઇ ગઇ છે.
જ્યારે આવતીકાલે મંગળવારે ધનતેરસ છે. ધનતેરસના પુજનનું શાસ્ત્રોમાં અલગ જ મહત્વ છે. બુધવારે કાળી ચૌદસ અને ગુરુવારે દિવાળીનો મહા તહેવાર છે. દિવાળીના તહેવારના પગલે ફટાકડા ફોડવાના શોખીનોએ અત્યારથી જ ફટાકડાની ખરીદી શરૂ કરી દીધી છે. બજારોમાં પણ રોશનીનો ઝળહળાટ જોવા મળે છે. રાજકોટમાં દિવાળી કર્નિવાલના કારણે રેસકોર્ષ ઝળહળી ઉઠ્યું છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારોની શૃંખલામાં ગુરુવાર તા.31ના રોજ દિવાળી બાદ તા.1 નવેમ્બરના રોજ શુક્રવારે ધોકો છે અને શનિવારે હિંદુ પંચાગ મુજબ નવા વર્ષનો પ્રારંભ થશે જ્યારે રવિવારે ભાઇબીજ છે અને તા.6 નવેમ્બરને બુધવારે લાભ પાંચમ છે.