રાષ્ટ્રીય

એ દિવાળી આવશે હરપળ યાદ

Published

on

દિવાળીનું પર્વ એટલે પ્રકાશ અને રંગોનું પર્વ. પાંચ દિવસ ચાલતું આ પર્વ દરેકના જીવનમાં ખુશી અને આનંદની રંગોળી પૂરે છે. કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેને આ પર્વ ગમતું ન હોય. નાના હતા ત્યારે મારો પ્રિય તહેવાર વિશેના નિબંધમાં દિવાળી વિશે જ લખતા.જીવનમાં ખુશી માટે જેટલી જરૂૂરી બાબતો છે તે બધાનો અનુભવ દિવાળીના પર્વમાં થાય છે.ઘરની સજાવટ, આંગણામાં દીવડા અને રંગોળી,સ્વાદિષ્ટ નાસ્તા અને મીઠાઈ,નવા કપડાં,સ્વજનોને મળવું આ બધું જ આખા વર્ષનો થાક ઉતારી દે છે.

આ દિવસો ખૂબ જ ઉર્જામય હોય છે અને વાતાવરણ જ આપણને આનંદિત કરે તેવું હોય છે. સમય અનુસાર દિવાળી પર્વની ઉજવણીમાં ફેરફાર થતાં રહે છે પરંતુ હૃદયની ખુશી અને આનંદનો એકસરખો અનુભવ થાય છે. આબાલ વૃદ્ધ સૌ કોઈને આ પર્વ ગમે છે ગરીબ હોય કે તવંગર દરેક વર્ગની વ્યક્તિઓનો પ્રિય તહેવાર દિવાળી હોય છે. આવતીકાલે દિવાળીનું પર્વ છે ત્યારે કેટલીક જાણીતી વ્યક્તિઓ દિવાળીની બાળપણની યાદો વાગોળે છે અને આ પર્વની ઉજવણી કઈ રીતે કરે છે તે જાણવું જરૂૂર ગમશે.

પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણીનો આનંદ વિશેષ હોય છે: ડો. દર્શિતાબેન શાહ


રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે દિવાળીના તહેવારને યાદ કરતા જણાવ્યું હતું કે દરેક તહેવારમાં વિવિધતા હોય છે એટલે દરેક તહેવાર ગમે છે . કોઈ પણ તહેવારમાં જ્યારે પરિવારજનો સાથે હોય ત્યારે તેનો આનંદ અલગ જ હોય છે. ખાસ દિવાળી બધાને ગમતું પર્વ છે એ જ રીતે મને પણ આ પર્વ ખૂબ ગમે છે. નાના હતા ત્યારે બે દિવસ પહેલાથી જ ઉજવણી શરૂૂ થઈ જતી.

ચાર દિવસ પહેલાં જ રંગોળી કરતા, ફટાકડા ફોડતા, ઘરમાં નવી નવી વાનગીઓ બનતી અને નવા વર્ષે મિત્રો સગા વહાલા એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા.નાનપણની એ દરેક દિવાળી યાદગાર હતી. એક સમય એવો હતો કે બાળકો ભણતા અને મારે પણ હોસ્પિટલ હતી ત્યારે થોડી રજાઓ મળતી તો બહારગામ જવાનું નક્કી કરતા પરંતુ દિવાળીમાં ઘરે રહીને તહેવારની ઉજવણી કરવાનું ખૂબ ગમે. અત્યારે પણ કામની જવાબદારી વચ્ચે સમય કાઢીને દિવાળીનો તહેવારની ઉજવણી કરીએ છીઅ, કોઈપણ તહેવાર હોય જ્યારે સ્વજનો સાથે હોય ત્યારે તેની ખુશી અલગ હોય છે એટલે અત્યારે બાળકોપરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરીએ છીએ. દિવાળીની ખરીદી પણ લોકલ ફોર વોકલના ઉદ્દેશ્ય સાથે કરું છું.

આપ પણ હર હંમેશ કોઈ પણ ચીજ વસ્તુ ખરીદો ત્યારે હંમેશા નાના વેપારી તેમજ ફેરિયા,પાથરણાં પાથરીને બેઠેલા લોકોને જરૂર યાદ કરજો.આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આવનારું નવું વર્ષ બધા માટે આનંદ, ઉમંગ અને ખુશીઓ લઈને આવે અને બધાની ઈચ્છા ભગવાન પૂરી કરે એ જ પ્રાર્થના.

દિવાળીની એ ક્ષણની વર્ષ દરમિયાન પ્રતિક્ષા રહેતી: કાદમ્બરીદેવી

રાજકોટના રાજ પરિવારના રાણીસાહેબા કાદમ્બરી દેવી જાડેજાએ દિવાળીની યાદો વાગોળતા જણાવ્યું હતું કે,દિવાળીનો તહેવાર આવે એટલે બાળપણમાં ઉજવેલી દિવાળી જરૂૂર યાદ આવે.નાના હતા ત્યારે દિવાળીના દિવસમાં લક્ષ્મીજીની આરતી થતી અને બાજરાની ધાણી પ્રસાદ રૂૂપે ધરાવવામાં આવતી. ધાણી સાથે નાના મિસરીના ટુકડા પણ ધરાવવામાં આવતા અને બધા જ બાળકો જાણે પ્રસાદની આતુરતાપૂર્વક રાહ જોતા.લક્ષ્મીજીની સામે જાણે અનાજનો ભંડાર કર્યો હોય એ રીતે ધાણીના કોથળા અને ટોપલા ધરાવવામાં આવતા, પૂજા-આરતી બાદ એ ધાણી ગામ લોકોને વહેંચી દેવામાં આવતી. અત્યારના દિવસોમાં પણ પેલેસમાં રાજ પરિવાર દ્વારા ઉજવણી થાય છે.

જેમ રાત પૂરી થાય અને નકારાત્મક ઉર્જાને વિદાય કરવા કચરા પોતા કરવામાં આવે એ જ રીતે દરેક ઓરડા પાણીથી સાફ કરી સજાવવામાં આવે છે. ચોપડા પૂજનમાં પરિવારના દરેક સભ્યો પારંપરિક પોશાકમાં સજ્જ હોય છે દિવાળી માટે ખાસ ઘૂઘરા, કાજુકતરી,મોહનથાળ વગેરે બનાવવામાં આવે છે અને લક્ષ્મીજીની ધરાવવામાં આવે છે. દિવાળીની સૌથી સુંદર યાદ એ છે કે રાજમાતા માનકુમારી દેવી જાડેજા દિવાળીના દિવસે શણગાર કરીને એટલા સરસ તૈયાર થતા એ જાણે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂૂપ હોય. તેમને જોઈને દિવાળીનો ઉત્સવ બેવડાઈ જતો અને ફરી રાહ જોતા કે ક્યારે દિવાળી આવે અને ફરી રાજમાતાને જોવા મળે.

લોકોની સુરક્ષા અમારે મન સાચી દિવાળી: શીતલ પટેલ
તાજેતરમાં આવેલી ફિલ્મ રણભૂમિના અભિનેત્રી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા શીતલ પટેલે દિવાળી પર્વ વિશે પૂછતા પોતાની ફરજ અને પોલીસની જિંદગી વિશે જણાવ્યું હતું કે, નાનપણમાં ભાઈ-બહેન, પરિવારજનો ભેગા મળીને દિવાળી પર્વની ઉજવણી કરતા પરંતુ ગુજરાત પોલીસમાં જોડાયા બાદ ફરજના કારણે એ રીતે દિવાળી ઉજવવાની તક મળતી નથી.પોલીસને મેં વાર, તહેવાર, ટાઢ,તડકો,વરસાદમાં ફરજ બજાવતી જોઈ છે.રસ્તા પર ટ્રાફિક જામ હોય અને યુનિફોર્મ ધરી જવાન આવીને એક વ્હિસલ મારે છે અને ટ્રાફિક ક્લીઅર થઈ જાય છે.કોઈ પણ પર્વ હોય પરિવારજનોને ઘરે વાટ જોતા મૂકીને લોકોની સુરક્ષા માટે ખડે પગે રહે છે. લોકોને સુરક્ષિત રાખવાને પોતાનું કર્તવ્ય સમજીને ફરજ નિભાવતા રહે છે કોઈપણ મહત્વપૂર્ણ તહેવાર હોય કે ઉત્સવ હોય પોતાની ફરજને ગળે લગાડીને ઘરેથી યુનિફોર્મમાં સજ્જ થઈને નીકળે છે.

સામાન્ય લોકોએ એક વાર આ નાયકોનો વિચાર કરવો જોઈએ.પોલીસ માટે બધા દિવસો સરખા હોય છે, કોઈ તહેવાર કે ઉત્સવની ઉજવણી હોતી નથી, આમ છતાં પ્રજા દ્વારા પોલીસને કેમ નથી મળતું માન? ખડેપગે હોય છે પ્રજા માટે છતાં કેમ નથી આપતા સન્માન?તહેવારનો આનંદ સારી રીતે મનાવી શકો તે માટે હર હંમેશ અમે રહીએ છીએ તૈયાર..કરો છો ઝઘડા તમે અને શાંતિ માટે અમે રહીએ છીએ તૈયાર. વિચારી જુઓ કે જો ન હોત તો પોલીસ તો કેવા હોત બધાના તહેવાર? જંગલરાજ હોત અને માતા ,બહેનો, લોકો કોને કહેત પોતાની પીડા? પરંતુ આ બધા વચ્ચે પણ પ્રજા આનંદથી તહેવાર મનાવે છે તે જોઈને અમે ખુશ થઈએ છીએ.લોકો ખરીદી કરતા હોય દીવા પ્રગટાવતા હોય પોતાના ઘરને રોશની ઝગમગાવતા હોય તે જોઈને અમે થઈએ છીએ ખુશ.તમને સુરક્ષિત જોઈને અમે રહીએ છીએ આનંદમાં. એ જ છે અમારી દિવાળીની ઉજવણી.

દિવાળીની ઉજવણીની એ ભીનાશ ક્યાં?: કાશ્મીર નથવાણી
ભાજપ અગ્રણી કાશ્મીરબેન નથવાણીએ દિવાળી પર્વની ઉજવણીની વાત કરતા જણાવ્યું હતું કે,વર્ષો પહેલાં જે આનંદ ઉત્સાહ હતો તે વર્ષો જતા જાણે ધીમે ધીમે ઓસરતો જાય છે.નાના હતા ત્યારે સંયુક્ત પરિવારમાં અમે શુક્લ પરિવારના લગભગ કાકા,ભાઈજીના 60 જણ હતા.દિવાળી આવે ત્યારે મામા-ફઈના ભાઈ-બહેન સાથે દિવાળી ઉજવવામાં આવતી. મોટી સંખ્યામાં ફટાકડા આવ્યા હોય તે બધા જ બાળકોને ભાગ પાડીને આપી દેતા પરંતુ અમારો બહેનોના ફટાકડાનો ભાગ મોટાભાગે ભાઈઓ લઈ લેતા.

કશ્યપભાઈ અને કૌશિકભાઈ બંનેએ મારા ભાગમાંથી ઘણાં ફટાકડા ફોડ્યા છે પરંતુ તેનો આનંદ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. આખી રાત ફટાકડા ફોડયા બાદ શેરીમાં થપ્પો,પકડ દાવ વગેરે રમતા એ જે આનંદ હતો એ આજની દિવાળીમાં અને આપણા બાળકોમાં જોવા નથી મળતો. દિવાળીની ઉજવણીની એ ભીનાશ ક્યાં?આજની દિવાળી પણ પરિવાર સાથે જ ઉજવીએ છીએ.નથવાણી પરિવારના દરેક સભ્યો તેમના સંતાનો સાથે ભેગા મળીને દિવાળી ઉજવીએ છીએ. જમીને ફટાકડા ફોડીએ, દુકાનમાં ચોપડાપૂજન કરીએ આજે પણ આનંદ તો છે જ પરંતુ પહેલાં વેકેશન પડે અને પાંચ પાંચ દિવસ સુધી રંગોળી, ફટાકડા, મીઠાઈ જે ચાલતું તે આનંદ હવે એક દિવસ પૂરતો સીમિત રહી ગયો છે.

WRITTEN BY :~ BHAVNA DOSHI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version