Site icon Gujarat Mirror

ભાડલામાં લુખ્ખાઓનો આતંક : વેપારી કાકા-ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ

ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

જસદણનાં ભાડલા ગામે લુખ્ખા શખ્સો નશો કરી દુકાન પાસે માથાકુટ કરતાં હોય જેથી તેમને ઠપકો આપતાં વેપારી કાકા ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં ઘવાયેલા ત્રણેય કાકા ભત્રીજાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ, ભાડલા ગામે રહેતા નાનુભાઈ ભગાભાઈ સરવૈયા (ઉ.55), વિનુભાઈ ભગાભાઈ સરવૈયા (ઉ.52) અને તેનો ભત્રીજો સુરત વશરામભાઈ સરવૈયા (ઉ.23) ત્રણેય આજે બપોરે ભાડલા બસ સ્ટેશન પાસે આવેલી દેવકૃપા પાન એન્ડ હોટલ નામની પોતાની દુકાને હતા ત્યારે જયદીપ મોરવાડીયા, કેવલ, દામો, કાળુ અને જયેશે આવી ધોકા પાઈપ વડે હુમલો કરી માર મારતાં ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓ અવારનવાર દારૂ પી દુકાન પાસે ડખ્ખો કરતાં હોય જેથી વિનુભાઈના કૌટુંબીક ભાઈ રવજીભાઈ સરવૈયા જે માજી ઉપપ્રમુખ હોય તેણે આરોપીઓને ઠપકો આપ્યો હોય જેનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવ્યું હતું. વધુમાં આરોપીઓ ઈજાગ્રસ્ત વિનુભાઈ અને સુરજનો સોનાનો ચેઈન આંચકી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

 

Exit mobile version