ગોંડલની સરકારી હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક

ગોંડલની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા ગોંડલ સીટી એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને એક ગંભીર લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ રજૂઆતમાં ગોંડલ નાં બાવાબારી માં…

ગોંડલની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા ગોંડલ સીટી એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને એક ગંભીર લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ રજૂઆતમાં ગોંડલ નાં બાવાબારી માં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેના સાગરીતો દ્વારા ફરજ પરના ડોક્ટરો અને અન્ય સ્ટાફને અપાતા માનસિક ત્રાસ અને ધમકીઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

પોલીસને અપાયેલી લેખિત રજૂઆત મુજબ, અર્જુન ચૌહાણ અને તેના સાથીદારો રોજ કેફી પદાર્થોનું સેવન કરીને હોસ્પિટલ આવે છે, સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે, અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. આ શખ્સ અવારનવાર બિનજરૂૂરી રીતે હોસ્પિટલમાં દાખલ થવા આવે છે અને ડોક્ટરોને દબાણ કરે છે કે તેની મરજી મુજબ જ સારવાર કરી બાટલા ચડાવવામાં આવે. જો સ્ટાફ ના પાડે તો તે હોસ્પિટલમાં જ દવા પીને આપઘાત કરવાની અને સુસાઈડ નોટમાં સ્ટાફના નામ લખવાની ચીમકી આપે છે.

વધુમાં, અર્જુન ચૌહાણ સ્ટાફને એવી પણ ધમકી આપે છે કે જો તેની સામે ફરિયાદ થશે તો પણ તેને હૃદયમાં સ્ટેન્ટ બેસાડેલું હોવાથી તે એક જ દિવસમાં પોલીસ સ્ટેશનથી છૂટી જશે અને કોઈ તેનું કંઈ બગાડી શકશે નહીં. અત્યંત શરમજનક બાબત એ છે કે, આ શખ્સો દ્વારા હોસ્પિટલના લેડીઝ સ્ટાફના દિવસ અને રાત દરમિયાન વીડિયો ઉતારવામાં આવે છે અને તેને વાયરલ કરવાની ધમકીઓ પણ અપાય છે.

હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, અર્જુન ચૌહાણ સારવાર લીધા બાદ પણ રજા વગર હોસ્પિટલ કેમ્પસમાં જ બેસી રહે છે. તે અડધી રાત્રે સ્ટાફને હેરાન કરવાના ઈરાદે બિનજરૂૂરી દાખલ થવા પહોંચી જાય છે અને તેના અન્ય સાગરીતોને નશો કરાવી ડોક્ટરોને હેરાન કરવા અને ઉશ્કેરવા મોકલે છે. જો તેનું ધાર્યું ન થાય તો તે જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તે અન્ય દર્દીઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કરી મારામારી કરે છે. થોડા દિવસ પહેલા જ તેણે એક મહિલા દર્દીના સગાને વોર્ડમાં માર માર્યો હતો, જેની સામે એ-ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ પણ નોંધાયેલી છે અને તેના પર ભૂતકાળમાં અન્ય ગુનાઓ પણ દાખલ થયેલ છે.

આ તમામ ગંભીર ઘટનાઓને પગલે હોસ્પિટલના ઈમરજન્સી, જનરલ વોર્ડ અને મેટરનીટી સ્ટાફ ભારે માનસિક ત્રાસ અનુભવી રહ્યો છે. હોસ્પિટલનું વાતાવરણ ભયજનક બની ગયું છે અને સારવાર અર્થે આવતા અન્ય દર્દીઓ પણ પરેશાન થાય છે. હોસ્પિટલની ગરિમા જાળવવા અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા હોસ્પિટલ પ્રશાસને પોલીસને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા તેમજ હોસ્પિટલ ખાતે દિવસ-રાત પોલીસ સ્ટાફ ફાળવવા નમ્ર અપીલ કરી છે. અર્જુન ચૌહાણ વિરુદ્ધ અનેક પોલીસ ફરિયાદો થઇ હોવા છતા પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા ના હોય સવાલો ઉઠવા પામ્યાં છે.

રજૂઆતની નકલ ગૃહ વિભાગ, કલેક્ટર, રાજકોટ રેન્જ આઈ.જી., એસ.પી., ધારાસભ્ય ગીતાબા જાડેજા, પ્રાંત અધિકારી અને ડી.વાય.એસ.પી.ને પણ મોકલવામાં આવી છે. પત્રમાં 60 થી વધુ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફની સહીઓ પણ લેવામાં આવી છે.