ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ જાપાનમાં યોજાનારી 2026 એશિયન ગેમ્સ માટેની ભારતીય ટી-20 ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને BCCI સચિવ દેવજીત સૈકિયાએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમની જાહેરાત કરી હતી.
આ જાહેરાતમાં સૌથી મોટો ઉલટફેર કેપ્ટનશીપમાં જોવા મળ્યો છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદેથી હટાવીને સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને ભારતીય ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત, 15 વર્ષના વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીને ત્રણેય મહત્ત્વના પ્રવાસો માટે ટીમમાં સ્થાન આપીને મોટો દાવ ખેલવામાં આવ્યો છે. ભારતીય ટીમ આગામી સમયમાં આયર્લેન્ડ સામે 2 મેચની ઝ20 શ્રેણી અને ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 શ્રેણી રમશે. આ સાથે જ ભારતીય ટીમ 2026ની એશિયન ગેમ્સમાં પણ ભાગ લેવા માટે મેદાનમાં ઉતરશે.
માત્ર 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ભારતીય ટીમમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે તે ભારત માટે પસંદ થનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો,જેઓ 16 વર્ષ અને 194 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં સામેલ થયા હતા.
આ વખતના ટીમ સિલેક્શનમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. સીનિયર ખેલાડી સૂર્યકુમાર યાદવ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી-20 ટીમમાં સ્થાન મળ્યું નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ મોટો ફેરફાર કરીને કુલદીપ યાદવના સ્થાને લેગ સ્પિનર રવિ બિશ્નોઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ઓલરાઉન્ડર તરીકે નીતિશ કુમાર રેડ્ડી પર પસંદગી ઉતારવામાં આવી છે.
ફાસ્ટ બોલરોના વધતા વર્કલોડ અને આગામી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ રોટેશન પોલિસી અપનાવી છે. આ યોજના હેઠળ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને અલગ-અલગ સ્પર્ધાઓ માટે પસંદ કરવામાં આવ્યા છે જેથી તેમના પર વધુ ભાર ન પડે. સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે 2026 એશિયન ગેમ્સ માટે તેમને આરામ આપવામાં આવ્યો છે.
બીજી તરફ, બુમરાહને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી આરામ આપી માત્ર એશિયન ગેમ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના બંને વિદેશી પ્રવાસ માટે તક આપવામાં આવી છે, પરંતુ એશિયન ગેમ્સની ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી નથી.
આયર્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંઘ, પ્રિન્સ યાદવ.
2026 એશિયન ગેમ્સ માટેની ભારતીય ટી-20 ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, જસપ્રિત બુમરાહ.
