વધારાની ટેરિફ લગાવશે તો ભારતની 76000 કરોડની નિકાસને સીધી અસર
ભારત સામે અમેરિકાએ લાદેલી 26 ટકા ટેરિફ આજથી લાગુ થઇ છે. એ સાથે ચીન સામે 104 ટકાની નવી વધેલી ટેરિફ આજથી જ લાગુ કરવાની જાહેરાત બાદ પ્રમુખ ટ્રમ્પે ભારતને સીધી રીતે અસરકર્તા બને તેવા એલાનમાં ફાર્માસ્યુટિકલ્સ પર ભારે ટેરીફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે બડાશ હાંકી હતી કે મારૂં કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરીકોની સુરક્ષા કરવી છે.
ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા અમેરિકા કરાતી નિકાસમાં ફાર્માનો કુલ હિસ્સો 11 ટકા છે અને વાર્ષિક આશરે 76000 કરોડ રૂૂપિયાના ફાર્મા ઉત્પાદનની અમેરિકામાં નિકાસ થાય છે. ભારતીય ફાર્મા કંપનીઓમાંથી ગ્લેન્ડ ફાર્મા તેની કુલ આવકનો 50% હિસ્સો અમેરિકાથી કમાય છે. જ્યારે અરબિંદો ફાર્મા 48%, ડો. રેડ્ડીઝ લેબ 47%, ઝાયડસ લાઇફ 46%, લ્યુપિન 37%, સન ફાર્મા 32%, સિપ્લા 29% અને ટોરેન્ટ ફાર્મા 9% ની આવક અમેરિકા નિકાસ કરીને મેળવે છે. આ પહેલા ટ્રમ્પે ચીન પર 50 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ 104 ટકા થઈ ગયો છે.
રિપોર્ટ અનુસાર વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે, ચીને તેની જવાબી કાર્યવાહી પાછી ખેંચી ન હોવાથી વધારાના 104% ટેરિફ લાદવામાં આવશે.નોંધનીય છે કે, 2 એપ્રિલની જાહેરાતમાં ટ્રમ્પે ચીન સહિત 180 દેશો પર છૂટછાટના પારસ્પરિક ટેરિફ લગાવ્યા હતા, જેના જવાબમાં ચીને પણ અમેરિકા પર ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે આ ટેરિફને લઈને ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ચીન 8 એપ્રિલ સુધી અમેરિકા પર લગાવવામાં આવેલ ટેરિફ હટાવશે નહીં તો તેના પર વધારાના 50 ટકા ટેરિફ લાદવામાં આવશે.

