અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર તેમની હળાહળ ભારત વિરોધી માનસિકતા છતી કરીને એપલને ભારતમાં પોતાની ફેક્ટરીઓ નાખવા સામે ચીમકી આપી છે. ડોનલ્ડ ટ્રમ્પે પોતે જ કહ્યું છે કે, પોતે એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ટિમ કૂકને કહ્યું હતું કે, એપલના આઈફોન બનાવવા માટે ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની કોઈ જરૂૂર નથી અને હું હું નથી ઇચ્છતો કે એપલનાં ઉત્પાદનો ભારતમાં બને. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે એપલે ભારતની ચિંતા કરવાની જરૂૂર નથી ને ભારત પોતાનું ફોડી લેશે. એપલ ભારતમાં બનેલા તેના 70 ટકા આઇફોનની નિકાસ કરે છે. 2024માં ભારતમાંથી આઇફોન નિકાસ 12.8 અબજ ડોલર (લગભગ 1.10 લાખ કરોડ) હતી.
એપલ ભારતમાં બનતી પ્રોડક્ટનો સૌથી મોટો નિકાસકાર દેશ છે તેથી તેની વાત કરી પણ આવી બીજી ઘણી પ્રોડક્ટ્સ છે. આ બધી પ્રોડક્ટ્સના કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે પણ એપલ ફસકે ને તેના પગલે પગલે બીજી કંપનીએ પણ ફસકે તો ભારતને મોટો ફટકો પડે. ભારતને એક નુકસાન એ પણ થાય કે, ભારતની વિશ્વનું ભાવિ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની મહત્વાકાંક્ષા પૂરી ના થાય. અત્યારે ચીનની સ્થિતી, ભારત સરકારની પ્રોત્સાહક નીતિઓ સહિતનાં પરિબળોના કારણે ચીન કરતાં ભારત પાસે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા સ્કીલ્ડ વર્કર્સ ઓછા હોવા છતાં વિદેશી કંપનીઓ ભારત આવી રહી છે.
ફોક્સકોન જેવા એપલના ભાગીદારો તો પોતાની ઉત્પાદન જરૂૂરિયાતોને પહોંચી વળવા માટે કામદારોને તાલીમ પણ આપી રહ્યા છે. તેના કારણે એક મોમેન્ટમ ઊભી થઈ છે એ તૂટી જાય. જોકે અમેરિકાની કંપનીઓ પણ ગાંજી જાય એવી નથી. ટ્રમ્પ પોતાનો ફાયદો જુએ છે એમ આ કંપનીઓ પણ પોતાને ફાયદો જ જોતી હોય છે ને ભારતમાં પ્લાન્ટ નાખવામાં તેમનો વધારે ફાયદો છે. આ સંજોગોમાં ટ્રમ્પની ધમકીની એપલ કે બીજી કંપની પર અસર પડવાની શક્યતા ઓછી છે. જો કે ભારતે ટ્રમ્પની ભારત વિરોધી માનસિકતાને સમજવાની જરૂૂર છે. ટ્રમ્પ ભારતના દોસ્ત છે ને ભારતના વડા પ્રધાનના દોસ્ત છે એવી વાતો આપણે સાંભળ્યા કરીએ છીએ પણ ટ્રમ્પનો એક પણ નિર્ણય ભારતની તરફેણનો નથી. ઊલટાનું ટ્રમ્પ ભારતની મેથી મારવાની કોઈ તક છોડતા નથી. આ સંજોગોમાં ભારતે ટ્રમ્પને મહત્ત્વ આપવાના બદલે પોતાનાં હિતો વિશે વિચારીને નવા દોસ્ત શોધવા જોઈએ.

