Site icon Gujarat Mirror

સૂર્યા-કિશનની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય

ટૂર્નામેન્ટમાં 2-0થી સરસાઇ મેળવી લીધી, કુલદીપ યાદવની બે વિકેટ, અર્શદીપ સિંહે 4 ઓવરમાં 53 રન લૂંટાવ્યા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સતત બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની તોફાની ઇનિંગ્સના જોરે ભારતે મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઇન્ડીયાએ 2-0થી સરસાઇ મેળવી છે.

ટોસ જીતીને ભારતે ન્યુઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ 44 રન અને કેપ્ટન મિશેલ સેન્ટનરે સૌથી વધુ 47 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરોમાં કેપ્ટન સેન્ટનરના ફિનિશિંગ ટચને કારણે ન્યુઝીલેન્ડ જેમ-તેમ કરીને ભારતને 209 રનનો ટાર્ગેટ આપી શક્યું હતું.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતીય બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરતા માત્ર 15.2 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. જીતના હીરો ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહ્યા હતા. આ બન્નેની ધમાકેદાર ઇનિંગ્સ સામે કિવિ ખેલાડીઓનું કંઈ કરી શક્યા નહી. કિશને માત્ર 32 બોલમાં 76 રનની તાબડતોબ ઇનિંગ રમી અને કેપ્ટન સૂર્યકુમારે 82 રનની આક્રમક ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને શાનદાર અંદાજમાં જીત અપાવી હતી. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે 268 દિવસ પછી ટી-20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારવાનું પરાક્રમ કર્યું છે. નોંધનીય છે કે, કેપ્ટન સૂર્યકુમારનું ફોર્મ ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટો પડકાર હતો, પરંતુ તેમણે તમામ પડકારોનો જડબાતોડ જવાબ આપતા શાનદાર ઇનિંગ રમી છે. સૂર્યાએ ઓક્ટોબર 2024 પછી આ પ્રથમ અડધી સદી ફટકારી છે.

ઓપનિંગ બેટ્સમેનો જલ્દી આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે બેટિંગની જવાબદારી ઈશાન કિશને સંભાળી હતી. કિશન પાછલી મેચમાં ફ્લોપ રહ્યો હતો, જેના કારણે તેના પર ઘણા સવાલો ઉઠ્યા હતા, પરંતુ તેણે તમામ સવાલોના જવાબ યોગ્ય રીતે આપ્યા. કિશને 32 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને બીજી મેચમાં સતત જીત અપાવવાનું કામ કર્યું. સાથે જ તેણે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન પણ પાકું કરી લીધું છે. ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. તેમના સિવાય હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 13.20ની ઈકોનોમી સાથે 53 રન લુટાવ્યા હતા, પરંતુ તેઓ એક પણ વિકેટ મેળવવામાં સફળ રહ્યા નહોતા.

48 કલાકમાં ઇશાન કિશને તોડ્યો અભિષેક શર્માનો રેકોર્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની બીજી મેચ રાયપુરના મેદાન પર રમાઈ હતી. ઈશાન કિશને માત્ર 32 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી. આ શ્રેણીની પહેલી મેચમાં ઈશાન કિશને બીજી ટી20 મેચમાં પોતાના ફોર્મ સાથે પસંદગીના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય સાબીત કર્યો છે. આ મેચમાં જ્યારે ઇશાને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી ત્યારે તે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી ઓછા બોલમાં અડધી સદી પૂરી કરનાર ભારતનો ખેલાડી બન્યો હતો.

આ પહેલા, આ રેકોર્ડ ટીમ ઇન્ડિયાના ડેશિંગ ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના નામે હતો, જેણે આ શ્રેણીની પહેલી મેચમાં 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. માત્ર 48 કલાકની અંદર ઇશાને અભિષેક શર્માના આ રેકોર્ડને પાછળ છોડી દીધો, નવો ઇતિહાસ રચ્યો છે. ઇશાન કિશને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ઇનિંગની પ્રથમ છ ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ સાથે, ઇશાન કિશન પાવરપ્લેમાં અડધી સદી પૂરી કરનાર પૂર્ણ સભ્ય ટીમોમાં ભારતનો પ્રથમ નોન-ઓપનિંગ બેટ્સમેન બન્યો. પૂર્ણ સભ્ય ટીમોમાં તે વિશ્વ ક્રિકેટમાં આ યાદીમાં ત્રીજો ખેલાડી છે. પાવરપ્લેમાં ભારતીય બેટ્સમેન દ્વારા ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં તે ફક્ત અભિષેક શર્માથી પાછળ છે. ઈશાન કિશને પહેલી 6 ઓવરમાં 23 બોલમાં 56 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 2025માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી-20 મેચમાં 21 બોલમાં 58 રન બનાવ્યા હતા.

મને ખબર નથી કે ઇશાને બપોરે શું ખાધું હતું
કેપ્ટન ઇશાનની ઇનિંગથી પ્રભાવિત ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ઈશાનની ઈનિંગથી પ્રભાવિત થયો હતો. તેણે મજાકમાં કહ્યું, “મને ખબર નથી કે ઈશાને બપોરે શું ખાધું હતું, પણ મેં ક્યારેય કોઈ બેટ્સમેનને છ રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી પાવરપ્લેમાં 60થી વધુ રન બનાવતા જોયો નથી. અમે અમારા બેટ્સમેન પાસેથી એ જ ઈચ્છીએ છીએ, મુક્તપણે રમવું.” તેણે સ્મિત સાથે ઉમેર્યું, “જ્યારે ઈશાનને પાવરપ્લેમાં સ્ટ્રાઈક ન મળી ત્યારે હું થોડો નારાજ પણ હતો, પરંતુ પછીથી હું પરિસ્થિતિને અનુકૂળ થયો. નેટ સેશનમાં મારી બેટિંગ સારી રહી છે અને આ શ્રેણી પહેલા મને થોડો આરામ પણ મળ્યો છે.”

 

Exit mobile version