ગુજરાત
મોરબી જિલ્લામાં વરસાદથી થયેલી નુકસાનીનો 343 ગામોમાં સરવે પૂર્ણ
જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી સામાન્ય સભામાં મુકવામાં આવેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી તો પ્રશ્નોતરી કાળમાં વિપક્ષે અનેક મુદે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
સામાન્ય સભાની બેઠકમાં ઈ કેવાયસી કામગીરી શિક્ષકો પાસે કરાવવામાં આવે છે કે નહિ તેવો પ્રશ્ન વિપક્ષ દ્વારા પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ આપતા સરકારની સુચના છે અને વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરાવવામાં આવે છે તેવો જવાબ આપ્યો હતો તેમજ ટંકારા-અમરાપર રોડની કામગીરીમાં બેદરકારી અને વરસાદને કારણે પડેલા ખાડા મુદે તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી તેમજ પાંચ તાલુકામાં રોડના કામોમાં પેચવર્ક ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું પવનચક્કી સર્વે મુદે ટંકારામાં સર્વે પૂર્ણ થયો છે જયારે વાંકાનેર અને માળિયામાં સર્વે કામગીરી ચાલી રહી છે ગૌચર જમીનમાં હશે તો નવેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરી યોગ્ય કામગીરી કરવાની ડીડીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
વરસાદમાં નુકશાની સર્વે અંગે સર્વેની કામગીરી જીલ્લાના 343 ગામોમાં પૂર્ણ થઇ ચુકી છે અને છેલ્લા સપ્તાહમાં પડેલા વરસાદ નુકશાની સર્વે કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તો નેતા વિપક્ષ ભૂપત ગોધાણીએ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી હતી તે ઉપરાંત આંગણવાડી ભાડામાં ચાલતી હોવાના, પંચાયતની લીફ્ટ સહિતના મુદાઓ ઉઠયા હતા જેના શાસક પક્ષ અને સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.