સ્યુસાઇડ હેલ્પલાઇન પર મદદ માંગવા GEN-Zનો ધસારો!

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્યની ચિંતા ફરી સામે આવી છે. રાજ્યની 104 સ્યુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર 16થી 45 વર્ષની વયના યુવાનોના કોલમાં…

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્યની ચિંતા ફરી સામે આવી છે. રાજ્યની 104 સ્યુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર 16થી 45 વર્ષની વયના યુવાનોના કોલમાં વધારો થયો છે. જનરેશન ઝેડ અને મિલેનિયલ્સમાં તણાવ, એકલતા અને મદદ માંગવાની જરૂૂરિયાત સ્પષ્ટ દેખાય છે.
2024માં હેલ્પલાઇન પર કુલ કોલમાં 35.1 ટકાનો વધારો થયો હતો. 2025માં વધુ 12.9 ટકાનો વધારો નોંધાયો. 2026ના આંકડા જાન્યુઆરીથી ઑગસ્ટ સુધીના છે. 16થી 25 વર્ષના જૂથમાં સૌથી વધુ ફેરફાર જોવા મળ્યા. 2024માં કોલ 27 ટકા વધ્યા, 2025માં 64.9 ટકા સુધી પહોંચ્યા અને 2026માં 26.1 ટકા ઘટ્યા. 26થી 35 વર્ષના જૂથમાં 2024માં 39.9 ટકા અને 2025માં 53.1 ટકાનો વધારો થયો, જ્યારે આ વર્ષે હજુ સુધી 4 ટકાનો મર્યાદિત વધારો જોવા મળ્યો છે.

ઝાયડસ હોસ્પિટલની ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડો. શિલ્પા જસુભાઈએ જણાવ્યું કે 20થી 40 વર્ષના દર્દીઓ વારંવાર સારવાર લેવા આવે છે. તેમણે કહ્યું કે જનરેશન ઝેડ (1997થી 2012 વચ્ચે જન્મેલા) મુખ્યત્વે પીઅર પ્રેશર અને આત્મશંકાથી પીડાય છે, જ્યારે મિલેનિયલ્સ (1981થી 1996) આર્થિક અને પારિવારિક તણાવ સાથે ઝઝૂમે છે. તેમણે ઉમેર્યું, “સ્વીકારનો અર્થ હાર માનવાનો નથી. તેનો અર્થ એ છે કે અત્યારે પરિસ્થિતિ મુશ્કેલ છે એ વાત સ્વીકારવી. આત્મહત્યા નિવારણ એ પણ છે કે લોકો ‘હું ઠીક નથી’ કહી શકે અને ન્યાય કર્યા વગર સાંભળવામાં આવે. ભાવનાત્મક પીડા એકલા ન સહન કરો. વાત કરો, સાંભળો અને મદદ લો.”

સરસ્વતી હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ ડો. મલય પટેલે કહ્યું કે શૈક્ષણિક અને કારકિર્દીનો દબાણ, સંબંધો, પરિવારની અપેક્ષાઓ, એકલતા અને સોશિયલ મીડિયાની તુલના મુખ્ય ટ્રિગર છે. તેમના મતે વહેલી કાઉન્સેલિંગ ઉપયોગી થાય છે, જ્યારે ગંભીર કેસમાં દવાની જરૂૂર પડી શકે છે. તેમણે કહ્યું કે માનસિક સ્વાસ્થ્ય દરેક પેઢીને અસર કરે છે અને સમયસર મદદ સંકટ અટકાવી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે મદદ માંગવી નબળાઈ નથી, પરંતુ જાગૃતિ છે. પરિવાર, શાળા, કોલેજ અને કાર્યસ્થળે એવું વાતાવરણ જોઈએ કે જ્યાં યુવાનો ન્યાય વગર વાત કરી શકે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની યાદ અપાવે છે કે સમયસર સાંભળવું અને સહારો આપવો જીવન બચાવી શકે છે. મુશ્કેલીમાં હોય તેમણે 104 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

રાજકોટમાંથી 893 કોલ તો અમદાવાદમાંથી 3786 કોલ
સપ્ટેમ્બર 2019થી ઑગસ્ટ 2026 સુધી 104 હેલ્પલાઇન પર કુલ 10,659 કોલ આવ્યા. તેમાંથી 6,080 કોલ માનસિક બીમારી સાથે જોડાયેલા હતા, જ્યારે 3,091 પારિવારિક ચિંતાઓ સાથે સંબંધિત હતા. પુરુષોએ 7,024 કોલ કર્યા, મહિલાઓએ 3,631 અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ ચાર કોલ કર્યા. અમદાવાદમાં સૌથી વધુ 3,786 કોલ નોંધાયા, જે રાજકોટના 893 કરતાં ચાર ગણા કરતાં વધુ છે. અન્ય મુદ્દાઓમાં પ્રેમસંબંધ, આર્થિક મુશ્કેલી, તબીબી બીમારી, હેરાનગતિ અને શિક્ષણનો સમાવેશ થાય છે.