સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા બળાત્કારના કેસો – જેમાં સ્લીપર બસમાં સગીરા પર થયેલા સામૂહિક બળાત્કારનો પણ સમાવેશ થાય છે – તેની સ્વત: સંજ્ઞા (suo motu) લીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ ઘટનાઓમાં 2012ના નિર્ભયા કેસ સાથે “પીડાદાયક સામ્યતા” જોવા મળે છે. 2012માં, દિલ્હીમાં ચાલતી બસમાં 23 વર્ષીય યુવતી પર થયેલા સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ તેના મૃત્યુને કારણે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા.
તાજેતરના બળાત્કારના કેસોની સ્વત: સંજ્ઞા લેતા, જસ્ટિસ જે.બી. પારડીવાલાના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ ઘટનાઓ કાયદા અમલીકરણ એજન્સીઓની નિષ્ફળતાને સ્પષ્ટપણે ઉજાગર કરે છે. બેન્ચે કહ્યું, “દિલ્હી-NCR માં બળાત્કારના કેસોના અહેવાલો કાયદા અમલીકરણ અને જાહેર વહીવટી સત્તાવાળાઓની પાયાની જાહેર સુરક્ષાની ખાતરી આપવામાં રહેલી વ્યવસ્થિત નિષ્ફળતાને સ્પષ્ટપણે રેખાંકિત કરે છે.” જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે અપૂરતી લાઇટિંગ, નબળી દેખરેખ (સર્વેલન્સ) અને અન્ય વહીવટી સુવિધાઓના અભાવને કારણે પાર્ક અને બસો જેવા જાહેર સ્થળોને ’હાઈ-રિસ્ક ઝોન’ (જોખમી વિસ્તારો) બનવા દઈ શકાય નહીં.
