ગોધરાકાંડમાં ટ્રેન સળગાવનાર દોષિતની સજા સ્થગિત કરતી સુપ્રીમ

2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે સોમવારે મોટી વચગાળાની રાહત આપી છે. અરજદાર અંદાજે 18 વર્ષથી…

2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે સોમવારે મોટી વચગાળાની રાહત આપી છે. અરજદાર અંદાજે 18 વર્ષથી જેલમાં બંધ હોવાની બાબત અને તેની ગંભીર તબીબી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેની સજા સ્થગિત(Suspension of Sentence)કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટ સમક્ષ પડતર મુખ્ય ફોજદારી અપીલના અંતિમ નિકાલ સુધી જામીન મેળવવા માટે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો હતો.

સુનાવણી દરમિયાન અપીલકર્તાના વકીલે દલીલ કરી હતી કે દોષિત ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યો છે અને તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂૂર છે, ઉપરાંત તે અંદાજે 18 વર્ષ જેટલો લાંબો સમય જેલમાં વિતાવી ચૂક્યો છે. રેકોર્ડ પર મૂકવામાં આવેલા મેડિકલ રિપોર્ટ્સ અને ભોગવેલી સજાનો સમયગાળો ધ્યાનમાં લઈને બેન્ચે તેની આજીવન કેદની સજાના અમલને સ્થગિત કર્યો છે અને સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનારી શરતોને આધીન તેને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

ફોજદારી કાર્યરીતિ હેઠળ સજા સ્થગિત કરવી એ અપીલના અંતિમ ચુકાદા સુધીની એક વચગાળાની વ્યવસ્થા છે. તેનાથી દોષિતને શરતી જામીન પર કામચલાઉ મુક્તિ મળે છે, પરંતુ તેનાથી નીચલી અદાલતનો દોષિત ઠેરવતો મૂળ ચુકાદો રદ થતો નથી કે તેને કાયમી સજા માફી (Remission) પણ ગણી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટના 2017ના ચુકાદાને પડકારતી દોષિતની મુખ્ય અપીલ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આ આદેશના એક અઠવાડિયા પહેલા જ, ગત 17 નવેમ્બર, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટે ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસના અન્ય સાત આજીવન કેદના દોષિતોની પેરોલ રજા 10 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી હતી. આ દોષિતોની અકાળે મુક્તિ (Remission) અંગેની અરજીઓ રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ હોવાથી જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે સાત સંલગ્ન અરજીઓ પર એકસમાન પ્રક્રિયાગત આદેશો પસાર કર્યા હતા.

27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોને લઈ જતી સાબરમતી એક્સપ્રેસના કોચ જ-6 ને ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન નજીક આગ ચાંપવામાં આવી હતી, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. માર્ચ 2011માં સ્પેશિયલ ફાસ્ટ-ટ્રેક કોર્ટે કાવતરા અને હુમલાના કેસમાં 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમાંથી 11 દોષિતોને ફાંસીની સજા અને 20 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે 63 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે તમામ 31 દોષિતોની સજા યથાવત્ રાખી હતી, પરંતુ 11 દોષિતોની ફાંસીની સજા ઘટાડીને સખત આજીવન કેદમાં ફેરવી હતી, જેના પરિણામે તમામ 31 દોષિતો આજીવન કેદ હેઠળ આવ્યા હતા.

2018થી 2026 દરમિયાન દોષિતો દ્વારા તેમની સજાને પડકારતી અને ગુજરાત રાજ્ય દ્વારા 11 દોષિતોની ફાંસીની સજા પુન:સ્થાપિત કરવાની માંગ કરતી ક્રોસ-અપીલો સુપ્રીમ કોર્ટમાં પડતર રહી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, સર્વોચ્ચ અદાલતે હુમલામાં વ્યક્તિગત ભૂમિકા, ઉંમર, તબીબી સ્થિતિ અને 17 થી 18 વર્ષથી વધુના જેલવાસ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને કેસ-દર-કેસના ધોરણે વચગાળાની જામીન અરજીઓ પર વિચારણા કરી છે.