Site icon Gujarat Mirror

આંદામાનના દરિયામાં પવનહંસ હેલિકોપ્ટરનું અચાનક ક્રેશ લેન્ડીંગ

સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન સાગરમાં બની હતી. જ્યાં પાયલટે ભારે સૂઝબૂઝ બતાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણી પર ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો સવાર હતા. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું કે, આજે સવારે લગભગ 9:30 વાગ્યે પવન હંસનું એક હેલિકોપ્ટર માયાબંદર પાસે શોર્ટ લેન્ડિંગની ઘટનાનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે પવનહંસ એક સરકારી હેલીકોપ્ટર નાગરિક ઉડ્ડયન સેવા છે.

દક્ષિણ એશિયાની આ સૌથી મોટી કોપ્ટર કંપની છે. જે હાલમાં દેશમાં વિવિધ તીર્થધામોની ઉડાનો સહીત કુલ 43 હેલિકોપ્ટરોનો કાફલો ધરાવે છે. દેશના દુર્ગમ પહાડી ક્ષેત્રોને આ સેવાઓ હવાઇ માર્ગે જોડે છે. એ ઉપરાંત ચાર્ટર, કોર્પોરેટ અને વીઆઇપી પરિવહનમાં પવનહંસની સેવાઓ જાણીતી છે.

Exit mobile version