ભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ

ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વાડી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે આશરે છએક ફૂટ લાંબો એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે…

ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વાડી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે આશરે છએક ફૂટ લાંબો એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે વાડી માલિકે તાત્કાલિક સ્થાનિક જીવદયા પ્રેમી સહદેવસિંહ જાડેજાને જાણ કરતા તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા.અહીં રહેલો મગર પ્રમાણમાં મોટો હોવાથી તેમણે તાત્કાલિક ભાણવડના જાણીતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. જેથી અશોકભાઈ ભટ્ટ તેમની ટીમ અને ભાણવડ વન વિભાગની ટ્રેકર ટીમ સાથે વિના વિલંબે રાત્રિના સમયે જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આ છ ફૂટ લંબાઈના મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવા રવાના થયા હતા. હજુ આ પ્રથમ મગરને કુદરતી આવાસમાં રિલીઝ કરવામાં આવે તે પહેલાં જ, મોડી રાત્રે પુન: આ જ ગામના અન્ય એક વાડી વિસ્તારમાંથી બીજા મગરની હાજરી અંગેનો કોલ અશોકભાઈ ભટ્ટને મળતા રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના ટ્રેકર્સ ફરી એકવાર એ જ રાત્રે ઓપરેશનમાં જોડાયા હતા.

આ બીજો મગર પહેલા કરતાં પણ વધુ મહાકાય હોવા છતાં, ટીમે નોંધપાત્ર સાહસ અને સૂઝબૂઝ દાખવીને તેને પણ મહામહેનતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ હતો. આમ, વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની અદ્ભુત સતર્કતા અને વન્યજીવ પ્રત્યેની સંવેદનાને કારણે એક જ રાતમાં એક જ ગામમાંથી બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ કરી, બંનેને બરડા ડુંગરના તેમના કુદરતી આવાસમાં હેમખેમ મુક્ત કરવામાં આવ્યા હતા, જેનાથી ગ્રામજનોએ મોટી રાહત અનુભવી હતી. આ સમગ્ર દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં વન વિભાગના ટ્રેકર લક્ષેશ વાણીયા તથા આબેદિન હિંગોરાની સાથે જાણીતા રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ, વનવ વાનાવડના સહદેવસિંહ જાડેજા, દુદાભાઈ ભરવાડ, મેરામણ ભરવાડ, પરાગ પીઠિયા, કિશોરસિંહ જાડેજા, વિશાલ અને અક્ષયે ભારે જહેમત ઉઠાવી વન્યજીવ રક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.