છાત્રને 300થી વધુ ઉઠક-બેઠક કરાવતા કીડની-લીવરમાં ગંભીર ઇજા

જૂનાગઢ શહેરની જાણીતી ડેલટા કરિયર એકેડેમીમાં શિક્ષણ તંત્ર માટે શરમજનક ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને અસાઇનમેન્ટ સમયસર પૂરું…

જૂનાગઢ શહેરની જાણીતી ડેલટા કરિયર એકેડેમીમાં શિક્ષણ તંત્ર માટે શરમજનક ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને અસાઇનમેન્ટ સમયસર પૂરું ન કરવા બદલ સંચાલકો દ્વારા અમાનવીય અને તાલીબાની સજા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ક્લાસના સંચાલક સંગીતા જાદવ અને અન્ય શિક્ષક હાર્દિક કુવાડિયા દ્વારા વિદ્યાર્થીને બે-ત્રણ પ્રશ્નો બાકી રહી જવાના સામાન્ય કારણસર આશરે 300 જેટલી લાંબી અને પીડાદાયક ઉઠક બેઠકો કરાવવામાં આવતા છાત્રની કોડની અને લીવરમાં સોજો આવી ગયો છે.

છાત્રને ડરાવવા માટે સંચાલકોએ હાથમાં પાછળ વાયર પણ રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ભારે શારીરિક ત્રાસના કારણે વિદ્યાર્થીની તબિયત અચાનક જ ખૂબ જ લથડી ગઈ હતી. તેને ચાલવામાં અને બેસવામાં પણ ભારે તકલીફ પડવા લાગી હતી તથા પેટમાં સતત વોમેટિંગ જેવી ફરિયાદો થવા પામી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પરિવારજનો દ્વારા તેને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ્સ અને સીટી સ્કેન કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અતિશય ઉઠક બેઠકો કરવાના કારણે વિદ્યાર્થીના શરીરની ક્ષમતા પર વિપરીત અસર પડી છે અને તેની કિડની તથા લિવર પર અંદાજે 80 ટકા જેટલો ગંભીર સોજો આવી ગયો છે અને તે ડેમેજ થયા છે. તબિયત અત્યંત નાજુક બનતા તેને શરૂૂઆતના બે દિવસ સુધી આઈસીયુ ઇમરજન્સી વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી હતી, અને હાલ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે એમએલસી નોંધ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ તપાસ શરૂૂ કરી હતી અને હોસ્પિટલ ખાતે પોલીસ સ્ટાફ દ્વારા ભોગ બનનાર વિદ્યાર્થી તથા તેના પરિવારના નિવેદનો નોંધવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ડેલ્ટા કેરિયર એકેડેમીના સંચાલક સંગીતા જાદવ અને અન્ય સંબંધીઓ વિરુદ્ધ ગુનો નોંધવા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને કડક તપાસ શરૂૂ કરવામાં આવી છે.

શાળા સંચાલકોએ ભૂલ સ્વીકારી
આ ઘટનાના પગલે પીડિત વિદ્યાર્થીના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવાર દ્વારા તાત્કાલિક સંચાલકોનો સંપર્ક કરીને મેડિકલ રિપોર્ટ્સ બતાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે રૂૂબરૂૂ બોલાવવામાં આવ્યા હતા. સ્થિતિની ગંભીરતા જોઈને સંચાલકોએ હોસ્પિટલમાં આવીને પોતે કરેલી આ ગંભીર ભૂલનો સ્વીકાર કર્યો હતો અને આ અમારી મોટી ભૂલ છે તેમ કહીને સમજાવટના પ્રયાસો કર્યા હતા. જો કે, આ પ્રકારની ક્રૂર સજાના કારણે એક હોશિયાર વિદ્યાર્થીનો જીવ જોખમમાં મુકાઈ જતા પરિવારજનો અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.