અવકાશમાં આજે ‘સ્ટ્રોબેરી મૂન’નો નજારો, સોનેરી થાળી જેવો ચમકશે ચંદ્ર

આજે આકાશમાં ‘સ્ટ્રોબેરી મૂન’નો નયનરમ્ય ખગોળિય નજારો જોવા મળશે, જેને આ વર્ષની સૌથી મોટી અને ચર્ચિત અવકાશી ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. આ માત્ર એક…

આજે આકાશમાં ‘સ્ટ્રોબેરી મૂન’નો નયનરમ્ય ખગોળિય નજારો જોવા મળશે, જેને આ વર્ષની સૌથી મોટી અને ચર્ચિત અવકાશી ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. આ માત્ર એક સામાન્ય પૂર્ણિમા નથી, પરંતુ પ્રકૃતિ, વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો એક ખૂબ જ સુંદર અને દુર્લભ સમન્વય છે.

આ વર્ષની વિશેષતા એ છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્ર આપણી પૃથ્વીની ક્ષિતિજની ખૂબ જ નજીક દેખાવાનો છે. આ ભૌગોલિક સ્થિતિના કારણે ચંદ્ર સામાન્ય દિવસો કરતાં કદમાં ઘણો મોટો, વધુ તેજસ્વી અને આછા સોનેરી અથવા તાંબા જેવા આકર્ષક રંગમાં ચમકતો જોવા મળશે. જો ચોમાસાની ઋતુ વચ્ચે આકાશ સ્વચ્છ રહેશે, તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ નજારો સાંજે 7.00 વાગ્યાથી 7.30 વાગ્યા વચ્ચે જોઇ શકાશે.

સ્ટ્રોબેરી મૂનના આજના વિશેષ દેખાવ પાછળ એક રસપ્રદ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. 21 જૂને સૂર્ય પૃથ્વીની ઉત્તર દિશામાં સર્વોચ્ચ બિંદુએ હોય છે જેને ઉનાળાનો અયનકાળ કહેવાય છે. આ ઘટના પછી આવતી જૂનની પૂર્ણિમાએ ચંદ્ર આકાશમાં પ્રમાણમાં ઘણો નીચો એટલે કે પૃથ્વીની ક્ષિતિજની એકદમ નજીક દેખાય છે.
જ્યારે ચંદ્ર ક્ષિતિજની નજીક હોય છે, ત્યારે તેનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણના જાડા સ્તરોમાંથી પસાર થઈને આપણી આંખો સુધી પહોંચે છે.

આ પ્રક્રિયા દરમિયાન, ટૂંકી તરંગલંબાઈ ધરાવતો વાદળી પ્રકાશ વાતાવરણમાં ફેલાઈ જાય છે (સ્કેટરિંગ), જ્યારે લાંબી તરંગલંબાઈ ધરાવતો લાલ અને પીળો પ્રકાશ સીધો આપણી સુધી પહોંચે છે. આથી જ ચંદ્ર આપણને આછો સોનેરી કે ઘેરો પીળો દેખાય છે. વધુમાં, જ્યારે ચંદ્ર ક્ષિતિજ પાસે હોય ત્યારે આસપાસની ઇમારતો, પર્વતો કે વૃક્ષોની સરખામણીમાં આપણી આંખોને તે કદમાં ઘણો મોટો લાગે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ‘મૂન ઇલ્યુઝન’ (Moon Illusion ચંદ્રનો ભ્રમ) કહેવામાં આવે છે.