ગુજરાત
બોટાદમાં પથ્થરબાજોનો આતંક, પરિવાર ભયભીત
ગુજરાત મિરર, બોટાદમાં પાળીયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે ગત મોડીરાત્રીના ચાર શખશોએ ફરીવાર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવતા પરીવાર ભયના ઓથાર હેઠળ જીવે છે. અગાઉ પણ કોન્ટ્રાક્ટરના ઘર પર પથ્થરમારો કરી હુમલો કરાયો હતો. જેથી કોન્ટ્રાક્ટરે ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. ત્યારે ફરીવાર પથ્થરમારો થતાં કોન્ટ્રાક્ટર અને તેના પરીવારને જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવા માગ કરી છે. પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ગત રાત્રે બે વાગ્યાના સુમારે પાળીયાદ રોડ, સંજય હોસ્પિટલની સામે રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર હિતેશ ગોરેચા અને તેમનું પરીવાર સુતા હતા. તે દરમ્યાન તેના ઘર પર ધડાધડ પથ્થરો આવતા પરીવાર જાગીને જોતા ચાર શખ્સો ફરીવાર પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. જેથી કોન્ટ્રાક્ટર અને તેનો પરીવાર ભયના ઓથાર હેઠળ આવી ગભરાઈ ગયા હતા. ગત મોડીરાત્રે કોન્ટ્રાક્ટરના ઘરપર થયેલ પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ગત તારીખ 20 નવેમ્બરે રાત્રીના કોન્ટ્રાક્ટર હિતેશ ગોરેચાના ઘરે ચાર શખ્સોએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જે અંગે કોન્ટ્રાક્ટર હિતેશ ગોરેચાએ બોટાદ પોલીસમાં જાવેદ કુરેશી, હેમુભાઇ મકવાણા અને અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરીવાર ગત મોડીરાત્રીના પથ્થરમારો કરી આંતક મચાવ્યો હતો.
અગાઉ કોન્ટ્રાક્ટરના દિકરા રાજનને પૈસાની લેતીદેતીનો મામલો હતો તે પતાવી દિધો હતો. તેમ છતાં ચારેય શખ્સો વધારે પૈસાની માંગણી કરી ધાકધમકી આપીને હુમલા કરે છે. જે બાબતે અનેકવાર પોલીસમાં અરજીઓ તેમજ ફરીયાદ નોંધાવી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપો કરાયા છે. તેમજ મારુ તેમજ પરીવારનું જીવનું જોખમ છે. જેથી પોલીસ રક્ષણ આપવા કોન્ટ્રાક્ટરે માગ કરી હતી.