RMCને એડવાન્સ વેરો ચૂકવતા કરદાતાઓને અપાતી ડસ્ટબિનના સેટનો સ્ટોક તળિયાઝાટક

રાજકોટ મનપાની તિજોરી જ નહીં પણ પ્રમાણીક કરદાતાઓને અપાતી પ્રોત્સાહક સુવિધા પણ તળીયાઝાટક થઇ ગઇ છે. એડવાન્સ વેરો ચુકવનાર નાગરિકોને ડસ્ટબીનનો સેટ વિનામુલ્યે આપવામાં આવે…

રાજકોટ મનપાની તિજોરી જ નહીં પણ પ્રમાણીક કરદાતાઓને અપાતી પ્રોત્સાહક સુવિધા પણ તળીયાઝાટક થઇ ગઇ છે. એડવાન્સ વેરો ચુકવનાર નાગરિકોને ડસ્ટબીનનો સેટ વિનામુલ્યે આપવામાં આવે છે. વેરા વળતર યોજનામાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની યોજના પુર્ણ થઇ હાલ 5 ટકા વળતર આપવાનું ચાલુ છે ત્યાં સુધી હજુ પર્યાપ્ત માત્રામાં ડસ્ટબીનનો સ્ટોક આવ્યો નથી. ભીના-સુકા કચરા માટેની અલગ અલગ ડસ્ટબીનનો સ્ટોક તળીયાઝાટક થઇ ગયો છે. તેવી સતાવાર નાદારી સાથે નવો સ્ટોક આવે ત્યાં સુધી સહકાર આપવા અનુરોધ કરવાની મનપાને ફરજ પડી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરતા કરદાતાઓને પ્રોત્સાહક યોજના અંતર્ગત વિનામૂલ્યે લીલા અને વાદળી રંગના ડસ્ટબિન સેટ આપવામાં આવે છે. આ ડસ્ટબિન દ્વારા નાગરિકો ભીના અને સૂકા કચરાનું સ્ત્રોતે જ વિભાજન કરી શકે છે, જે સ્વચ્છ અને હરિત રાજકોટના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ વોર્ડ ઓફિસોમાં ડસ્ટબિન સેટનો ઉપલબ્ધ સ્ટોક સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. તેથી, અત્યારે એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને ડસ્ટબિન સેટનું વિતરણ તાત્કાલિક શક્ય રહેશે નહીં.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા ડસ્ટબિન સેટની ખરીદી અને પુરવઠાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અંદાજે આગામી દોઢ માસ (1.5 માસ) બાદ નવા ડસ્ટબિન ઉપલબ્ધ થતાં જ તમામ સંબંધિત વોર્ડ ઓફિસો ખાતે ફરીથી વિનામૂલ્યે ડસ્ટબિન સેટનું વિતરણ શરૂૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા તમામ નાગરિકોને વિનંતી કરે છે કે, ડસ્ટબિન સેટ ઉપલબ્ધ થાય ત્યાં સુધી ધીરજ રાખી સહકાર આપે. નવા સ્ટોક ઉપલબ્ધ થતાં તેની જાણ કરવામાં આવશે અને ત્યારબાદ પાત્ર કરદાતાઓને નિયમ મુજબ ડસ્ટબિન સેટ આપવામાં આવશે. તેમ મનપાની યાદીમાં જણાવાયું છે.