Site icon Gujarat Mirror

સ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશે

રાજ્યસભાની બે બેઠકો DMK, એક કોંગ્રેસ અને એક DMDKને ફાળવી

તમિલનાડુમાં 2026ની વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને સત્તારૂૂઢ ડીએમકેએ વિપક્ષોના સૂપડા સાફ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મજબૂત ’મહા ગઠબંધન’ તૈયાર કરી લીધું છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રચેલા 21 પક્ષોના આ વિરાટ મોરચામાં કોંગ્રેસની ભૂમિકા નિર્ણાયક બની રહેશે. ચેન્નાઈમાં મળેલી હાઈપ્રોફાઈલ બેઠકમાં બેઠકોની વહેંચણી પર આખરી મહોર મારવામાં આવી છે, જે મુજબ કોંગ્રેસ 28 બેઠકો પર ચૂંટણી લડશે. આ માત્ર બેઠકોની વહેંચણી નથી, પણ ભાજપ અને AIADMK સામે સ્ટાલિનની રાજકીય વ્યૂહરચનાનો વિજય માનવામાં આવે છે.

આ સમજૂતી માત્ર વિધાનસભા પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં દૂરંદેશી પણ જોવા મળી રહી છે. કરાર મુજબ, આગામી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠક ફાળવવામાં આવશે, જે ગઠબંધનમાં તેની મજબૂતી દર્શાવે છે. બીજી તરફ, DMK એ પણ પોતાના પત્તા ખોલી દીધા છે, જેમાં અનુભવી નેતા તિરુચી શિવ અને નવા ચહેરા કોન્સ્ટેન્ટાઇન રવિન્દ્રનને રાજ્યસભા માટે મેદાનમાં ઉતાર્યા છે. આ ગઠબંધન એટલું મજબૂત દેખાઈ રહ્યું છે કે રાજ્યસભાની બે બેઠકો DMK ને, એક કોંગ્રેસને અને એક DMDK ને ફાળવીને સત્તાના સંતુલનનો અનોખો દાખલો બેસાડ્યો છે.

DMK એ ગૌરવ સાથે જાહેર કર્યું છે કે તમિલનાડુના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યાં કોઈ ગઠબંધન તોડફોડ વગર સતત ચાર ચૂંટણીઓ સુધી અકબંધ રહ્યું હોય. વિપક્ષી નેતાઓ, ખાસ કરીને એડાપ્પડી પલાનીસ્વામી, છેલ્લા બે વર્ષથી આ ગઠબંધન તૂટવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સ્ટાલિનની સૌહાર્દપૂર્ણ રાજનીતિએ વિપક્ષની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે સ્ટાલિનની આ ’લોકપ્રિયતાની લહેર’ માં ઘણા નવા પક્ષો પણ જોડાઈ રહ્યા છે, જેનાથી તમિલનાડુનું રાજકીય ચિત્ર સંપૂર્ણપણે DMK તરફી ઝૂકેલું જોવા મળી રહ્યું છે.

Exit mobile version