અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે એસટી દોડાવશે 6 હજાર વધારાની બસો

અંબાજીના સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC દ્વારા ખાસ આયોજન કરાયું છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન 6000 વધારાની બસો દ્વારા 30,000 ટ્રીપ્સનું સંચાલન થશે. અમદાવાદ,…

અંબાજીના સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC દ્વારા ખાસ આયોજન કરાયું છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન 6000 વધારાની બસો દ્વારા 30,000 ટ્રીપ્સનું સંચાલન થશે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મુખ્ય શહેરોમાંથી બસો દોડાવાશે. 4000થી વધુ કર્મચારીઓ ખડેપગે રહી યાત્રાળુઓને સુરક્ષિત અને સુવિધાજનક પ્રવાસ પૂરો પાડશે. અંબાજી ખાતે હંગામી શેડ, પાણી અને શૌચાલય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ‘ભાદરવી પૂનમ મહામેળા’ને લઈને લાખો માઈભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે રાજ્યભરમાંથી હજારો-લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને મા અંબાના દર્શનાર્થે પહોંચે છે. પગપાળા પહોંચેલા આ તમામ માઈભક્તો દર્શન બાદ કોઈપણ પ્રકારની અગવડ વિના સલામત રીતે પોતાના ઘરે પરત પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) દ્વારા રેગ્યુલર બસો ઉપરાંત મોટા પાયે વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓને અવરજવરમાં સરળતા રહે તે માટે આ તમામ વિશેષ બસોનું સંચાલન અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજ્યના તમામ મુખ્ય બસ સ્ટેશનો પરથી કરવામાં આવશે. જેથી ગુજરાતના કોઈપણ ખૂણેથી આવતા યાત્રિકોને સીધી અને સરળ બસ સેવા મળી રહેશે.

નિગમ દ્વારા 6 દિવસમાં 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપ્સ દોડાવવામાં આવશે. વ્યવસ્થા જાળવવા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, સુપરવાઈઝર અને ઉચ્ચ અધિકારીઓ સહિત 4000થી વધુ કર્મચારીઓ 24સ7 ફરજ પર ખડેપગે રહેશે. અંબાજી ખાતે હંગામી શેડ અને પેસેન્જર સુવિધાઓ યાત્રાળુઓને અંબાજી ખાતે કોઈ તકલીફ ન પડે તે માટે નિગમ દ્વારા વિશેષ હંગામી (ટેમ્પરરી) વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે:

મુસાફરોને તડકો કે વરસાદ ન નડે તે માટે વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે શુદ્ધ પીવાના પાણીની તેમજ પૂરતા પ્રમાણમાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત માઈક એનાઉન્સમેન્ટ દ્વારા બસોના રૂૂટ અને સમયની જાણકારી અપાશે તેમજ લાઈનો ટૂંકી રાખવા માટે વધારાની ટિકિટ બારીઓ કાર્યરત કરવામાં આવી છે.