ધોરાજીના સુપેડી ગામે એસટી ડ્રાઇવરને કાકા-પિતરાઇભાઇની ધમકી

અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ધમકી આપતા બીજો ગુનો નોંધાયો ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં જમીન બાબતની જૂની અદાવત રાખીને એક એસ.ટી. ડ્રાઈવરને રસ્તામાં રોકી, ગાળો…

અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ધમકી આપતા બીજો ગુનો નોંધાયો

ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં જમીન બાબતની જૂની અદાવત રાખીને એક એસ.ટી. ડ્રાઈવરને રસ્તામાં રોકી, ગાળો ભાંડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં એસ.ટી. ડ્રાઈવરના કાકા અને તેના પિતરાઈ ભાઈ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગત મુજબ, એસ.ટી. બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ ચંદુલાલ મકવાણા (ઉ.વ. 39)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના જ કૌટુંબિક કાકા યોગેશભાઈ ચનાભાઈ મકવાણા અને તેમના પુત્ર સુભાષભાઈ યોગેશભાઈ મકવાણાનું નામ આપ્યું છે. ફરિયાદી હાર્દિકભાઈના જણાવ્યા અનુસાર, ગત તા.01/06/2026ના રોજ તેમની વચ્ચે જૂની જમીન બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ બાબતનો ખાર રાખીને આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

તારીખ 03 જૂન 2026ના રોજ સવારે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ જ્યારે હાર્દિકભાઈ પોતાના ઘરેથી નોકરી પર જવા નીકળ્યા હતા, ત્યારે સરદાર સોસાયટી પાસે આરોપી યોગેશભાઈએ તેમને રસ્તામાં ઉભા રાખ્યા હતા. ત્યાં તેમણે હાર્દિકભાઈને બેફામ ગાળો આપી અહીંયાથી નીકળતો નહીં, નહિતર તને જાનથી મારી નાખવો જોશે તેવી ધમકી આપી હતી. ભયના માર્યા ફરિયાદી પરત ઘરે ફર્યા બાદ, આરોપીના પુત્ર સુભાષે પણ ફોન કરીને ગાળો આપી ધમકાવ્યા હતા.

હાર્દિકભાઈએ તુરંત 112 પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી અને ત્યારબાદ ધોરાજી તાલુકા પોલીસ મથકે પહોંચી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 અને 351(3) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે.